ડુંગળી, બટાટા બાદ હવે કેરી (Mango) પકવતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. એમાંય કેસર કેરી માટે પ્રખ્યાત ગીર પંથકમાં ચાલુ વર્ષે કેરીના પાકમાં જીવાત અને રોગચાળાનું આક્રમણ થયું છે. ખાસ કરીને કેસર આંબાના બગીચાઓમાં ફૂગ, મઢીઓ અને સફેદ ફ્લાઈનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. તેના કારણે કેરીનો 60થી 70 ટકા પાક નિષ્ફળ જતાં અન્નદાતાને મોટો આર્થિક ફટકો પડ્યો છે.
બીજી બાજુ બાગાયત વિભાગના નિષ્ણાતો દાવો કરી રહ્યા છે કે યોગ્ય દવાના છંટકાવથી જે પાક બચ્યો છે તેને રોગચાળાથી બચાવી શકાય છે. કેરીનો પાક નિષ્ફળ જતાં ખેડૂતોને તો મોટું નુકસાન થયું જ છે. પણ કેસર કેરીનું ઉત્પાદન ઘટવાથી કેરીના રસિયાઓને તેનો સ્વાદ મોંઘો પડશે.
આ વર્ષનાં પ્રથમ બગીચાઓમાં ભારે મોર આવતાં ખેડુતો રાજી થયા હતા. પરંતુ થોડા સમય પુર્વે હવામાનનાં પલ્ટાએ કેરીના બગીચાઓમાં આવેલા 60 ટકા મોર બળીને રાખ થયા તો નાની કેરી આપો આપ ખરી જતાં વર્તમાન સમયમાં 40 ટકા કેરી હાલ જોવા મળી રહી છે. કેસર કેરીનો પાક આ વખતે આખતર-પાછતર છે. ગયા વર્ષે કોરોનાને કારણે એક્સપોર્ટ બંધ હતું. આ વર્ષ ખુલે તો પણ એક્સપોર્ટને લાયક કેરી બહું ઓછી ઉત્પાદિત થશે. તેવું એક્સપોર્ટના વેપારીઓને લાગી રહ્યું છે.
ગયા વર્ષે તાલાળા (Talala) યાર્ડમાં 8થી 9 લાખ કેરીનાં બોક્ષ આવ્યા હતા. જ્યારે આ વર્ષે 5થી 6 લાખ કેરી (kesar Mango)નાં બોક્ષ આવવાની સંભાવના છે. આગામી કેરીની સિઝન 25 એપ્રિલ આસપાસ શરૂ થશે. આ સાથે 20થી 25 દિવસ ચાલે તેવું વર્તમાન સ્થિતિ પરથી લાગી રહ્યું છે.
કેરીના પાકમાં જીવાત અ રોગચાળાને લીધે પાક ઓછો થવાની વકી હોય ત્યારે ભાવમાં પણ ઉછાળો આવાવની સંભાવના છે. ગયા વર્ષે જે ફર્સ્ટ ક્વોલિટીની કેરી 400થી 500માં મળતી તે આ વર્ષે 600થી 700 રૂપિયામાં વેચાશે. જ્યારે સામાન્ય કેટેગરીની કેરી ગયા વર્ષે 200 રૂપિયામાં 10 કીલોનું બોક્સ વેચાતું તે આ વર્ષે 300થી 500 રૂપિયામાં વેચાતા સામાન્ય વર્ગને આ વર્ષે ઊંચા ભાવનાં કારણે કેરી કડવી લાગશે.