નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કાર નિર્માતા મારુતિ સુઝુકી ઇન્ડિયાએ ગુરુવારે કહ્યું કે, એક એપ્રિલ 2020થી ભારતમાં ડીઝલ કારનું વેચાણ નહીં કરે. મારુતિ સુઝુકી ઇન્ડિયાના ચેરમેન આર સી ભાર્ગવે કહ્યું કે, કંપની એક એપ્રિલ 2020થી ડીઝલ કાર નહીં વેચે.

ડીઝલ એન્જિનને BS-VI નિયમ અનુસાર અપગ્રેડ કરવા ખૂબ ખર્ચાળ છે. જેના લીધે કારની કિંમતમાં વધારો કરવો પડશે અને તેની સીધી અસર વેચાણ પર પડે છે. આ કારણે કંપનીએ ડીઝલ એન્જિન બંધ કરવાનો નિર્ણય લીધો છે. હવે 1.5 લીટરથી ઓછી ક્ષમતાની લાઈનઅપમાં ડીઝલ એન્જિન ઉપલબ્ધ નહીં હોય. કંપનીએ એ પણ કહ્યું કે, ડિમાન્ડ સારી હશે તો 1.5 લીટર ડીઝલ એન્જિનને રિ-ઈન્ટ્રોડ્યૂસ કરી શકાય છે. કંપનીના આ નિર્ણયમાં લાઈટ કૉમર્શિયલ વ્હીકલને પણ શામેલ કરવામાં આવ્યા છે. હવે આ વ્હીકલ્સ CNG પાવરટ્રેન સાથે મળશે.



મારુતિ સુઝુકી ઈન્ડિયાના ચેરમેન આરસી ભાર્ગવે કહ્યું કે, ‘1 એપ્રિલ 2020થી અમે ડીઝલ કારનું વેચાણ કરીશું નહીં.’ વર્તમાન સમયમાં કંપની પાસે ઘણા ડીઝલ મૉડલ્સ છે. ડૉમેસ્ટિક માર્કેટમાં કંપનીના કુલ સેલમાં 23 ટકા વેચાણ ડીઝલ વ્હીકલ્સનો હોય છે.

અગાઉ વર્ષ 2016માં કેન્દ્ર સરકારે એવી જાહેરાત કરી હતી કે, ભારતમાં BS-Vની જગ્યાએ BS-VI નૉર્મ્સનો ઉપયોગ કરવામાં આવશે. 1 એપ્રિલ 2020થી માત્ર BS-VI કમ્પ્લાયન્ટ વ્હીકલ્સ જ મેન્યૂફેક્ચર કરવામાં આવશે.