નવી દિલ્હી: MG Motor એ ગત વર્ષે MG Hector એસયૂવી કાર સાથે ભારતીય બજારમાં એન્ટ્રી કરી હતી. જૂન 2019ના અંત સુધીમાં લોન્ચ થયેલી આ MG Hector કારને ભારતમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. જેના કારણે MG Hector એ વર્ષ 2019ના બીજા છ માસિક ગાળામાં મીડ સાઈઝ એસયૂવી સેગમેન્ટમાં નંબર વનનું સ્થાન મેળવી લીધુ છે.


ઈન્ડસ્ટ્રીમાંથી મળેલા ડેટા અનુસાર, જૂલાઈથી ડિસેમ્બર 2019 વચ્ચે 15,930 હેક્ટરનું વેચાણ કરવામાં આવ્યું છે. બાદમાં 6962 યૂનિટના વેચાણ સાથે બીજા નંબર પર મહિંદ્રાની એક્સયૂવી 500 રહી છે. આ દરમિયાન હેક્ટરની અન્ય હરિફ કાર ટાટા હેરિયર અને જીપ કંપાસ ક્રમશ 5836 યૂનિટ અને 3951 યૂનિટ રહી છે.

આ કાર સ્ટાઇલ, સુપર, સ્માર્ટ અને શાર્પ એમ ચાર વેરિયન્ટમાં મળે છે. કારના એન્જિન ઓપ્શનની વાત કરવામાં આવે તો 143hp, 1.5-લીટર ટર્બો પેટ્રોલ, 170hp, 2.0- ડીઝલ અને 1.5 ટર્બો પેટ્રોલનું 48V માઇલ્ડ હાઇબ્રિડ વર્ઝન આપવામાં આવ્યું છે.

એમજી હેક્ટર દેશની પ્રથમ ઈન્ટરનેટ કાર છે. હેક્ટરના આ ફીચરનું નામ iSmart સિસ્ટમ છે. આ સિસ્ટમને એરટેલના ઇ-સિમથી કનેક્ટ કરી શકાય છે. હેક્ટર દેશની પ્રથમ 5જી કનેક્ટિવિટી ધરાવતી કાર છે. આ સિસ્ટમના ઓવર-ધ-યર અપડેટ પણ મળશે અને સર્વિસ સેન્ટર પર ગયા વગર યૂઝર તેને ડાઉનલોડ કરી શકશે. હેક્ટરમાં 10.4 ઇંચની પોર્ટ્રેટ ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ આપવામાં આવી છે અને તેમાં અનેક એપ્લીકેશન્સ પ્રી લોડેડ છે.

આઇસ્માર્ટ સિસ્ટમની વિશેષતા એ છે કે યૂઝર તેમના સ્માર્ટફોન પર કારનું રિયલ ટાઇમ અપડેટ પણ જોઈ શકે છે. ઉપરાંત યૂઝર મોબાઇલ પર ટાયર પ્રેશર, લાઇવ લોકેશન્સ પણ એક્સેસ કરી શકે છે. સ્માર્ટફોનથી કારના દરવાજાને લોક-અનલોક કરી શકાય છે. કારને સ્ટાર્ટ કે બંધ કરવાની સાથે ફોનથી એર કન્ડિશનિંગ સિસ્ટમને પણ શરૂ કરી શકાય છે. હેક્ટરની મોબાઇલ એપમાં સર્વિસ હિસ્ટ્રી પણ ચેક કરી શકાય છે.