નવી દિલ્હી: એમજી મોટર્સે ભારતમાં પોતાની પ્રથમ ઈલેક્ટ્રિક કાર MG ZS EV લોન્ચ કરી છે. કંપનીએ એક્સાઈટ અને એક્સક્લૂસિવ બે મોડલમાં લોન્ચ કરી છે. આ ઈલેક્ટ્રિક એસયૂવીની શરૂઆતની કિંમત 20.88 લાખ રૂપિયા છે. જે ગ્રાહકોએ આ કાર એડવાન્સ બુક કરી હતી તેમને એક લાખ રૂપિયાનો ફાયદો આપવામાં આવી રહ્યો છે. પ્રી-બુકિંગ 17 જાન્યુઆરીની રાત્રે બંધ થઈ ગયું છે. કંપની આ કિંમતમાં હોમ માઉન્ટેડ એસી ચાર્જર અને પાવર કેબલ આપી રહ્યું છે.  એક્સક્લૂસિવ વેરિએન્ટની કિંમત રૂ. 23,58,000 રાખવામાં આવી છે.


MG ZS EV કારની લોકપ્રિયતા બુકિંગને જોઈને લગાવી શકાય છે. દેશની પ્રથમ ઈલેક્ટ્રિક ઈન્ટરનેટ એસયૂવી માત્ર 27 દિવસમાં જ 2800થી વધારે બુકિંગ મળી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે  કંપની પહેલી 2409 ડિલિવરી કરશે. ત્યારબાદ બાકી બુક કરાવેલી ગાડીઓની ડિલિવરી કરશે. કંપનીએ દિલ્હી-એનસીઆર, મુંબઈ, અમદાવાદ, બેંગલુરુ અને હૈદરાબાદ જેવા શહેરોમાં પહેલા લોન્ચ કરી છે.

આ કારને મળેલા જબરદસ્ત રિસ્પોન્સના પગલે એમજી મોટર પહેલી એવી કાર નિર્માતા કંપની બની ગઈ છે કે, જેણે પોતાની કારનું બુકિંગ કિંમતની જાહેરાત કર્યા પહેલા જ બંધ કરી દીધું છે. આ ઉપરાંત MG ZS EVએ ભારતમાં બીજી ઈલેક્ટ્રિક કારને મળનારા સૌથી વધારે પ્રી લોન્ચ બુકિંગનો પણ રેકોર્ડ બનાવ્યો છે. કારની સેફ્ટી અંગે પણ ટોપ રેટિંગ મળી છે. MG ZS EVને Euro NCAP રેટિંગમાં 5 સ્ટાર મળ્યા છે.

પાવર અને સ્પેશિફિકેશન અંગે MG ZS EVમાં ઈલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે. 141 Bhpના પાવર અને 353 Nm ટાર્ક જનરેટ કરે છે. જેને 44.5 KWh બેટરીથી પાવર મળે છે. રેન્જની વાત કરીએ તો MG ZS EV સિંગલ ચાર્જિંગમાં 340 kmનું અંતર કાપી શકે છે. જ્યારે સ્પીડની વાત કરીએ તો આ ઈલેક્ટ્રિક કાર માત્ર 8 સેકન્ડમાં જ 0થી 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે.