Minimum Balance: બેન્ક એકાઉન્ટ્સમાં મિનિમમ બેલેન્સ રાખવાની શરત ગ્રાહકો પર બોજરૂપ સાબિત થઈ રહી છે. મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ વિવિધ બેન્કો ગ્રાહકો પાસેથી પેનલ્ટી તરીકે મોટી રકમ વસૂલે છે, જેના કારણે બેન્કોને મોટી આવક થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકારી બેન્કોએ માત્ર પાંચ વર્ષમાં આ રીતે લગભગ 8,500 કરોડ રૂપિયાની કમાણી કરી છે.


કેન્દ્રીય મંત્રીએ લોકસભામાં માહિતી આપી


કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ મંગળવારે મિનિમમ બેલેન્સ પેનલ્ટીના નામે બેન્કો દ્વારા કરવામાં આવેલી વસૂલાતના આંકડા વિશે માહિતી આપી હતી. તેઓ લોકસભામાં એક પ્રશ્નનો લેખિત જવાબ આપી રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, છેલ્લા 5 વર્ષમાં જાહેર ક્ષેત્રની બેન્કોએ ગ્રાહકો પાસેથી મિનિમમ બેલેન્સ પેનલ્ટીના રૂપમાં 8,494 કરોડ રૂપિયાની કમાણી કરી છે.


ગયા નાણાંકીય વર્ષમાં 2000 કરોડને પાર


હાલમાં દેશમાં જાહેર ક્ષેત્રની 12 બેન્કો કાર્યરત છે. તમામ 12 જાહેર ક્ષેત્રની બેન્કોએ ગયા નાણાકીય વર્ષ દરમિયાન મિનિમમ બેન્ક બેલેન્સ પેનલ્ટી તરીકે 2,331 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. નાણાકીય વર્ષ 2023-24 માટેનો આ આંકડો છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ છે અને એક જ નાણાકીય વર્ષમાં પહેલીવાર જાહેર ક્ષેત્રની બેન્કોની મિનિમમ બેન્ક બેલેન્સ પેનલ્ટીની કમાણી 2 હજાર કરોડ રૂપિયાને વટાવી ગઈ છે.


જાહેર ક્ષેત્રની બેન્કોએ નાણાકીય વર્ષ 2022-23માં મિનિમમ બેન્ક બેલેન્સ પેનલ્ટીથી 1,855 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તે પહેલાં જાહેર ક્ષેત્રની બેન્કોએ 2021-22માં 1,429 કરોડ રૂપિયા, 2020-21માં 1,142 કરોડ રૂપિયા અને 2019-20માં 1,738 કરોડ રૂપિયા મિનિમમ બેન્ક બેલેન્સ ન રાખવા બદલ પેનલ્ટી સ્વરૂપે કમાણી કરી હતી. આ રીતે છેલ્લા પાંચ વર્ષમાં દંડમાંથી વસૂલ કરાયેલી રકમ અંદાજે 8,500 કરોડ રૂપિયા થાય છે.


સૌથી મોટી સરકારી બેન્ક SBIએ હવે તેને વસૂલવાનું બંધ કરી દીધું છે તેમ છતાં સરકારી બેન્કો દ્વારા મિનિમમ બેલેન્સ પેનલ્ટીની વસૂલાતનો આંકડો વધી રહ્યો છે. સૌથી વધુ ગ્રાહકો ધરાવતી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ છેલ્લે 2019-20માં મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ ગ્રાહકો પાસેથી દંડ વસૂલ્યો હતો. ત્યારે SBIએ 640 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તે પછી SBIએ પેનલ્ટી બંધ કરી દીધી અને છેલ્લા 4 નાણાકીય વર્ષથી તે ગ્રાહકો પાસેથી મિનિમમ બેલેન્સ પેનલ્ટી વસૂલતી નથી.


પીએનબીએ સૌથી વધુ દંડ વસૂલ કર્યો છે


બાકીની 11 સરકારી બેન્કો પર નજર કરીએ તો પંજાબ નેશનલ બેન્ક મિનિમમ બેલેન્સ પેનલ્ટીમાંથી સૌથી વધુ કમાણી કરી રહી છે. ગયા નાણાકીય વર્ષમાં એટલે કે 2023-24માં જાહેર ક્ષેત્રની બીજી સૌથી મોટી બેન્ક PNBએ આ રીતે 633 કરોડ રૂપિયાની કમાણી કરી છે. બેન્ક ઓફ બરોડા 387 કરોડ રૂપિયા સાથે બીજા સ્થાને હતી. ઈન્ડિયન બેન્કે 369 કરોડ રૂપિયાની કમાણી કરી છે. કેનેરા બેન્કે રૂ. 284 કરોડ અને બેન્ક ઓફ ઇન્ડિયાએ મિનિમમ બેલેન્સ પેનલ્ટીમાંથી 194 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.