Mobile Tariff Hike In 2023: દેશમાં મોબાઈલ સર્વિસ પૂરી પાડતી ટેલિકોમ કંપનીઓ નવા વર્ષમાં ટેરિફ વધારવાની તૈયારી કરી રહી છે. ટેલિકોમ કંપનીઓ 5G ટેલિકોમ સેવા પ્રદાન કરવામાં મોટા રોકાણ અને નેટવર્ક ખર્ચમાં વધારાને કારણે ટેરિફમાં વધારો કરી શકે છે. આ વખતે એવું માનવામાં આવે છે કે પ્રીપેડ અને પોસ્ટપેડ બંને કંપનીઓ ટેરિફમાં વધારાની જાહેરાત કરી શકે છે.
બ્રોકરેજ હાઉસ IIFL સિક્યોરિટીઝે એક અહેવાલ બહાર પાડ્યો છે જેમાં જણાવ્યું છે કે નજીકના ભવિષ્યમાં 5G સાથે સંકળાયેલ પ્રતિ યુઝર્સ સરેરાશ આવક (ARPU) વધારવી ખૂબ જ મુશ્કેલ છે, તેથી કંપનીઓ પાસે 4G ટેરિફ વધારવા સિવાય કોઈ વિકલ્પ નથી. બ્રોકરેજ હાઉસનું માનવું છે કે 2023ના મધ્યમાં 4G ટેરિફમાં વધારો જોવા મળી શકે છે કારણ કે 2024માં લોકસભા ચૂંટણી નજીક વધતા ટેરિફને કારણે રાજકીય આરોપો વધવાનો ભય છે.
કોટકે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે વોડાફોન આઈડિયાએ લોનની ચૂકવણી કરવા માટે ટેરિફમાં 25 ટકાનો વધારો કરવો પડશે, સાથે જ 2027 સુધીમાં સરકારના લેણાંની ચુકવણી માટે ટેરિફમાં મોટો વધારો કરવો પડશે. બ્રોકરેજ હાઉસનું માનવું છે કે પોસ્ટપેડ ટેરિફમાં પણ વધારો થવાની શક્યતા છે.
અગાઉ, વિદેશી બ્રોકરેજ હાઉસ જેફરીઝના વિશ્લેષકોએ પણ તેમના અહેવાલોમાં કહ્યું હતું કે ટેલિકોમ કંપનીઓ નવા વર્ષમાં મોબાઇલ ટેરિફમાં 10 ટકા સુધી વધારો કરવાની જાહેરાત કરી શકે છે. જેફરીઝે તેના તાજેતરના અહેવાલમાં જણાવ્યું છે કે Bharti Airtel અને Reliance Jio નાણાકીય વર્ષ 2020-23, 2023-24 અને 2024-25ના ચોથા ક્વાર્ટરમાં મોબાઈલ ટેરિફમાં 10 ટકા સુધીનો વધારો કરી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપનીની રેવન્યુ અને માર્જિન પર ફરીથી દબાણ વધી રહ્યું છે, જેના કારણે આ ટેલિકોમ કંપનીઓ પાસે ટેરિફ વધારવા સિવાય કોઈ વિકલ્પ નથી.
રિલાયન્સ જિયો અને ભારતી એરટેલે દેશના ઘણા શહેરોમાં 5G મોબાઇલ સેવા શરૂ કરી છે. આ કંપનીઓએ 5 સ્પેક્ટ્રમ મેળવવા માટે હરાજીમાં મોટા પૈસા ખર્ચ્યા છે. હાલની ત્રણ ટેલિકોમ કંપનીઓએ 5G સ્પેક્ટ્રમની હરાજીમાં 1,50,173 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. આ કંપનીઓએ લાઇસન્સ ફી ભરવા માટે તેમની આવક વધારવી પડશે. આવી સ્થિતિમાં ટેલિકોમ કંપનીઓએ મોબાઈલ ટેરિફ વધારવો પડશે.