ભારતી એરટેલ અને વોડાફોન-આઇડિયા 1 ડિસેમ્બર, 2019થી તેમના ટેરિફ પ્લાનમાં વધારો કરશે. બંને કંપનીઓ એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂની બાકી રકમ ભરવા માટે આમ કરવા અંગે વિચારણા કરી રહી છે. જોકે બંને કંપનીઓએ હજી સુધી સ્પષ્ટતા કરી નથી કે મોબાઇલ ટેરિફ કેટલો મોંઘો થશે. પરંતુ એક અહેવાલ મુજબ ટેલિકોમ કંપનીઓ મોબાઇલ ટેરિફમાં 35 ટકાનો વધારો કરી શકે છે.
મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે એરટેલનું 100 રૂપિયાનું રિચાર્જ 135 રૂપિયા સુધી મોંઘું થઈ શકે છે. બીજા પણ ઘણા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. પરંતુ સંપૂર્ણ તસવીર એક કે બે દિવસમાં સ્પષ્ટ થઈ જશે. વોડાફોન-આઈડિયાનું પણ કહેવું છે કે ટેરિફમાં વધારો કરશે કે જે 1 ડિસેમ્બરથી લાગુ થશે. ઉલ્લેખનીય છે કે, જો કંપનીઓ ટેરિફ વાઉચરમાં 10 ટકાનો વધારો કરશે તો તેને આગામી 3 વર્ષમાં 35 હજાર કરોડ રૂપિયાની આવક થવાની સંભાવના છે.