Housing Loan Subsidy Scheme: લોકસભાની ચૂંટણી પહેલા, મોદી સરકાર ઘર ખરીદનારાઓ માટે સબસિડીવાળી હોમ લોન સ્કીમ લઈને આવી રહી છે. જેની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે. 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અને 2024ની લોકસભાની ચૂંટણી પહેલા આ સ્કીમ લાગુ કરવામાં આવી શકે છે. સરકાર આ યોજના પર 60,000 કરોડ રૂપિયા ખર્ચી શકે છે.


સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કરતી વખતે પીએમ મોદીએ કરી હતી આ જાહેરાત


15 ઓગસ્ટ, 2023 ના રોજ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, મધ્યમ વર્ગના પરિવારો જેઓ પોતાના ઘરનું સ્વપ્ન જોઈ રહ્યા છે. અમે આગામી કેટલાક વર્ષો માટે તેમના માટે એક યોજના પણ લઈને આવી રહ્યા છીએ. સરકારે બેંકો પાસેથી હોમ લોન પર વ્યાજ સબવેન્શન આપીને ઘર ખરીદનારાઓને લાખો રૂપિયાની મદદ આપવાનો નિર્ણય કર્યો છે.


50 લાખ રૂપિયા સુધીની હોમ લોન લેનારાને મળશે યોજનાનો લાભ


રોઇટર્સના અહેવાલ મુજબ, 20 વર્ષ માટે 50 લાખ રૂપિયા સુધીની હોમ લોન લેનારા ઘર ખરીદનારાઓ આ યોજનાનો લાભ મેળવી શકશે. હોમ લોનની કુલ રકમ પર, 9 લાખ રૂપિયાની હોમ લોનની રકમ પર વાર્ષિક 3 થી 6.5 ટકા સબસિડી આપવામાં આવશે. વ્યાજદરમાં આપવામાં આવેલ ડિસ્કાઉન્ટ હાઉસિંગ લોન લેનારા લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ યોજના 2028 સુધી ચાલુ રહેશે. આ યોજનાને ટૂંક સમયમાં કેબિનેટ દ્વારા મંજૂરી મળી શકે છે.


આ યોજનાનો સૌથી વધુ લાભ કોને થશે


મોદી સરકારની સબસિડીવાળી હોમ લોન યોજનાથી શહેરી વિસ્તારોમાં ઘર ખરીદનારા અને ઓછી આવક ધરાવતા લોકોને ફાયદો થશે. એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે નવી યોજનાથી એવા પરિવારોને ફાયદો થશે જેઓ શહેરોમાં ભાડાના મકાનો, ઝૂંપડપટ્ટી અથવા અનધિકૃત કોલોનીઓમાં રહે છે.


સરકારના આ નિર્ણયથી કોને મળશે ફાયદો


બેંકોએ લાભાર્થીઓની ઓળખ કરવાનું શરૂ કરી દીધું છે. સરકારના આ નિર્ણય દ્વારા એફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટને હોમ લોન આપવાને પ્રોત્સાહન મળશે. આ પહેલા પણ, મોદી સરકારે 2017 થી 2022 સુધી શહેરી વિસ્તારોમાં મકાન ખરીદનારા ઓછી આવક ધરાવતા લોકો માટે હોમ લોનના વ્યાજ દરો પર સબસિડી આપવાની યોજના શરૂ કરી દીધી છે.