નવી દિલ્હીઃ ભારત સરકારે અમેરિકન ઇલેક્ટ્રિક કાર નિર્માતા ટેસ્લાને કહ્યું છે કે તેઓ પહેલા ભારતમાં પોતાના ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન શરૂ કરે બાદમાં કોઇ ટેક્સ રાહત પર વિચાર કરવામાં આવી શકે છે. ટેસ્લાના સીઇઓ એલન મસ્કે ભારત સરકારને ઇમ્પોર્ટ ડ્યુટી ઓછી કરવાની માંગણી કરી હતી.  બાદમાં ટાટા મોટર્સે તેનો વિરોધ કરતા કહ્યું કે, તેનાથી ભારત સરકારના ‘મેક ઇન ઇન્ડિયા’ કાર્યક્રમને ધક્કો લાગી શકે છે.


સરકારી સૂત્રોને ટાંકીને આપવામાં આવેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકાર કોઇ વાહન નિર્માતા કંપનીને એવી કોઇ રાહત આપી રહી નથી અને ટેસ્લાને ડ્યુટીમાં રાહત આપવાથી ભારતમાં અબજો ડોલરનું રોકાણ કરનારી બીજી કંપનીઓને સારા સંકેત મળશે નહીં. ટેસ્લાએ ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો પર ઇમ્પોર્ટ ડ્યૂટી ઓછી કરવાની માંગ કરી છે.  હાલમાં, કમ્પ્લીટલી મેન્યુફેક્ચર્ડ યુનિટ્સ (CBUs) તરીકે આયાત કરાયેલી કાર એન્જિનના કદ અને કિંમત, વીમા અને માલ (CIF) પર આધાર રાખીને 60 થી 100 ટકા સુધીની કસ્ટમ ડ્યુટી થાય છે.


અમેરિકન કંપનીએ સરકારને વિનંતી કરી હતી કે નોન-કસ્ટમ વેલ્યુ-કિંમતવાળી ઇલેક્ટ્રિક કાર પર કસ્ટમ વેલ્યૂને 40 ટકા કરવા અને ઇલેક્ટ્રિક કાર પર 10 ટકાનો સોશિયલ વેલફેર સરચાર્જ પાછો ખેંચી લેવામાં આવે .કેન્દ્રિય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યુ કે દેશમાં ઇ-વાહનોની વધતી માંગ અને પ્રોત્સાહન નીતિને કારણે ટેસ્લા પાસે ભારતમાં પોતાનો પ્લાન્ટ શરૂ કરવાની સારી તક છે.


ટેસ્લાની ડિમાન્ડ બાદ ટાટા મોટર્સે તેનો વિરોધ કર્યો હતો. એક નિવેદનમાં કંપનીએ કહ્યું કે, વિદેશી વાહન નિર્માતા કંપનીઓને ઇમ્પોર્ટ ડ્યૂટીમાં રાહત આપવી જોઇએ નહીં. તેનાથી ભારતીય કંપનીઓને નુકસાન થવાની સાથે મેક ઇન ઇન્ડિયા અભિયાનને ઝટકો લાગશે. ભારતીય કંપનીઓ ખૂબ સસ્તા દરોમાં પોતાની કારોનું નિર્માણ કરી રહી છે.