Mukesh Ambani layoffs 2025: દેશમાં IPLની ધમાકેદાર સિઝન શરૂ થાય તે પહેલાં જ દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની Jio Star દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કંપનીએ એકાએક છટણીનો રાઉન્ડ શરૂ કરી દીધો છે, જેના કારણે અંદાજે 1100 કર્મચારીઓ નોકરી ગુમાવશે. આ નિર્ણય રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના વાયાકોમ18 અને વોલ્ટ ડિઝની કંપનીના ભારતીય એકમના મર્જર બાદ લેવામાં આવ્યો છે.
જાણકારો અનુસાર, Facebook, Amazon, Flipkart, અને Ola જેવી મોટી કંપનીઓની જેમ હવે Jio Star પણ છટણીના માર્ગે ચાલી નીકળી છે. કંપનીનો હેતુ મર્જર પછી ડુપ્લિકેટ થઈ રહેલા હોદ્દાઓને ઘટાડીને સંચાલન ખર્ચમાં ઘટાડો કરવાનો છે. રિપોર્ટ અનુસાર, આ છટણીનો આંકડો 1,100થી પણ વધુ હોઈ શકે છે.
મર્જર અને છટણીનું કારણ
તાજેતરમાં જ વાયાકોમ18 અને ડિઝનીના સ્ટાર ઇન્ડિયાનું મર્જર થયું છે. આ મર્જર બાદ આ કંપની ભારતની સૌથી મોટી મીડિયા કંપની બની ગઈ છે. કંપનીનું માનવું છે કે આ છટણીનો હેતુ કામગીરીને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવાનો છે. કંપની ખાસ કરીને રમતગમત અને ડિજિટલ સ્ટ્રીમિંગ જેવા ઉચ્ચ વૃદ્ધિ ક્ષેત્રો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. નિષ્ણાતોનું માનવું છે કે ડિઝની સ્ટારની પ્રાદેશિક બજારોમાં મજબૂત પકડ વાયાકોમ18ની પ્રાદેશિક ચેનલોને વધુ સુવ્યવસ્થિત કરવામાં મદદ કરી શકે છે. જો કે, Jio Star નવી ચેનલો શરૂ કરીને તેના સ્પોર્ટ્સ પોર્ટફોલિયોને વિસ્તારવાની યોજના પર પણ કામ કરી રહી છે. રિલાયન્સ-ડિઝનીના મર્જરથી બનેલી આ કંપનીનું મૂલ્ય અંદાજે રૂ. 70,352 કરોડ (પોસ્ટ-મની) આંકવામાં આવ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નામ ગુપ્ત રાખવાની શરતે લગભગ ડઝન જેટલા લોકોએ જણાવ્યું છે કે આ છટણીની અસર કંપનીના વિવિધ વિભાગો જેવા કે વિતરણ, નાણા, વાણિજ્યિક અને કાયદાકીય વિભાગો પર પડી રહી છે. આ છટણીમાં માત્ર એન્ટ્રી લેવલના કર્મચારીઓ જ નહીં, પરંતુ વરિષ્ઠ મેનેજરો, ડિરેક્ટર્સ અને આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ જેવા ઉચ્ચ હોદ્દા પર કામ કરતા કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, હાલમાં રમતગમત વિભાગને આ છટણીથી બાકાત રાખવામાં આવ્યો છે. કારણ કે કંપની ટૂંક સમયમાં ચેમ્પિયન્સ ટ્રોફી, મહિલા પ્રીમિયર લીગ (WPL) અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) જેવી મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જો કે, કલર્સ કન્નડ અને કલર્સ બાંગ્લા જેવી પ્રાદેશિક મનોરંજન ચેનલો પર આ છટણીની મોટી અસર જોવા મળી છે અને આગામી સમયમાં પણ નોકરીમાં કાપ મુકવામાં આવે તેવી શક્યતા છે.
વળતર પેકેજની વિગતો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, Jio Star દ્વારા કર્મચારીઓને આપવામાં આવનાર વળતર પેકેજ કર્મચારીના કંપનીમાં સેવાના સમયગાળા પર આધાર રાખે છે, જે સામાન્ય રીતે છ થી બાર મહિનાના પગારની વચ્ચે હોઈ શકે છે. વળતર પેકેજમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે:
કર્મચારીઓને એક થી ત્રણ મહિનાના નોટિસ પિરિયડના પગાર ઉપરાંત, કંપનીમાં પૂર્ણ કરેલા દરેક વર્ષ માટે એક મહિનાનો વધારાનો પગાર મળશે.
જે કર્મચારીઓએ કંપનીમાં 6 વર્ષથી ઓછા સમય માટે કામ કર્યું છે, તેઓને પણ નોટિસ પિરિયડના પગાર સહિત ઓછામાં ઓછા સાત મહિનાનો પગાર વળતર તરીકે મળશે.
લાંબા સમયથી કંપનીમાં સેવા આપતા કર્મચારીઓને 15 મહિના સુધીનું વળતર મળી શકે છે.
ગ્રેચ્યુઇટી માટે પાત્રતા ધરાવતા ન હોય તેવા કર્મચારીઓને પણ પ્રમાણસર ગ્રેચ્યુઇટીની રકમ ચૂકવવામાં આવશે.
કેટલાક ખાસ કરીને ટેક્નોલોજી અને ડિજિટલ સેવાઓ સાથે જોડાયેલા કર્મચારીઓને જિયો અથવા રિલાયન્સ જૂથની અન્ય કંપનીઓમાં નોકરીની ઓફર પણ મળી શકે છે.