નવી દિલ્હીઃ વિશ્વભરમાં લોકડાઉન દરમિયાન એક મોટી બિઝનેસ ડીલના સમાચાર સામે આવ્યા છે. વિશ્વની સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકે રિલાયન્સ જિયોમાં કેટલોક હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે. રિલાયન્સ જિયોમાં 9.99 ટકા હિસ્સો ખરીદવા માટે ફેસબુક 5.7 બિલિયન ડોલર એટલે કે 43,574 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

ડીલ બાદ મુકેશ અંબાણીએ કહ્યું કે, બંને કંપનીઓ નજીકના કિરાણા સ્ટોર્સથી ગ્રાહકો સુધી સામાન પહોંચાડવા માટે વોટ્સએપનો ઉપયોગ કરવાને પ્રોત્સાહન આપશે. આ પછી શિક્ષા અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સહયોગનું વિસ્તરણ કરવામાં આવશે.

અંબાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા વીડિયો સંદેશમાં કહ્યું, રિલાયન્સ અને જિયોમાં અમે તમામ ફેસબુકનું સ્વાગત કરીએ છીએ. જિયોનો વિશ્વ સ્તરીય ડિજિટલ કનેક્ટિવિટી પ્લેટફોર્મ અને ફેસબુકના ભારતીય લોકો સાથેના ઊંડા સંબંધોની શક્તિથી તમારા બધા સમક્ષ ઈનોવેટિવ સમાધાનની રજૂઆત કરાશે.

તેમણે કહ્યું કે, ભવિષ્યમાં જિયોના ડિજિયલ વાણિજ્ય પ્લેટફોર્મ જિયોમાર્ટ અને વોટ્સએપ મળીને આશરે ત્રણ કરોડ કરિયાણા દુકાનદારોને તેમની નજીકના ગ્રાહકો સાથે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવામાં સક્ષમ બનાવશે. આ સોદાથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને દેવું ઓછું કરવામાં મદદ મળશે, જ્યારે ફેસબુકને ભારતમાં ચીન બાદ બીજુ સૌથી મોટું ઈન્ટરનેટ બજાર મળશે.

જિયો-ફેસબુક ભાગીદારીના મૂળમાં ફેસબુકના સંસ્થાપક માર્ક ઝકરબર્ગની પ્રતિબદ્ધતા છે અને તેનાથી ભારતને ડિજિટલ રૂપાંતરણની દિશામાં મદદ મળશે. બંને કંપનીઓ સાથે મળીને ભારતના ડિજિટલ અર્થતંત્રને ગતિ આપશે. અમારી ભાગીદારી ભારતને વિશ્વના અગ્રણી ડિજિટલ સમાજ બનાવવા માટે છે તેમ પણ અંબાણીએ કહ્યું હતું.