Mutual Funds:  મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ એ લાંબા ગાળાના નાણાકીય ઉદ્દેશ્યોને પહોંચી વળવા અને નોંધપાત્ર મૂડી ઊભી કરવાનો એક સારો રસ્તો માનવામાં આવે છે. ઘણી વખત લોકોને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા અંગે ખૂબ જ ખરાબ અનુભવ હોય છે. લોકો મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં કેટલીક ભૂલો કરે છે જેના કારણે તેમને ઇચ્છિત વળતર મળતું નથી.


યોજનાને સમજ્યા વિના રોકાણ કરવું


મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ કે પ્રોડક્ટને સમજ્યા વિના રોકાણ ન કરો. ઉદાહરણ તરીકે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ લાંબા ગાળા માટે હોય છે, જ્યારે રોકાણકારો સામાન્ય રીતે ટૂંકા ગાળામાં સારું વળતર ઇચ્છે છે. આવી સ્થિતિમાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી નુકસાન થઈ શકે છે. મ્યુચ્યુઅલ ફંડ્સમાં લાંબા ગાળાના રોકાણના પરિપ્રેક્ષ્યને અપનાવવું વધુ સમજદાર છે. ખાસ કરીને જ્યારે તમારો ઉદ્દેશ્ય મોટી મૂડી ઊભી કરવાનો હોય. ઓછામાં ઓછા 5 થી 7 વર્ષ માટે રોકાણ રાખવું જોઈએ. લાંબા સમય માટે રોકાણ કરવું વધુ ફાયદાકારક બની શકે છે.


યોગ્ય રકમનું રોકાણ ન કરવું


મ્યુચ્યુઅલ ફંડ્સમાં રેન્ડમ રોકાણ સામાન્ય છે. રેન્ડમ ઈન્વેસ્ટમેન્ટ એટલે કોઈપણ નાણાકીય ધ્યેય વિના તમારી પસંદગીની કોઈપણ રકમ જમા કરવી. આવા કિસ્સામાં રોકાણ કરેલી રકમ અપેક્ષિત વળતર આપી શકશે નહીં. ઉદાહરણ તરીકે, જો તમારો 20 વર્ષમાં 1 કરોડ રૂપિયા એકઠા કરવાનું લક્ષ્ય છે અને તમે દર મહિને 1,000 રૂપિયાનું રોકાણ કરો છો તો તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરી શકશો નહીં. જ્યારે આપણે રિટર્નને 12 ટકા માની લઇએ તો 1 કરોડ રૂપિયા એકઠા કરવા માટે તમારી માસિક એસઆઈપી આશરે 10 હજાર રૂપિયા હોવી જોઈએ


વારંવાર રીડમ્પશન ન કરો


મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા લોકો ઘણીવાર જરૂર પડ્યે મ્યુચ્યુઅલ ફંડમાંથી રિડમ્પશન કરે છે, એટલે કે પૈસા ઉપાડી લે છે. મ્યુચ્યુઅલ ફંડમાંથી વારંવાર નાણાં ઉપાડવાથી વ્યક્તિને રોકાણ પર ચક્રવૃદ્ધિ વળતરનો સંપૂર્ણ લાભ મળતો નથી, કારણ કે લાભ રિડમ્પશન રકમ પર ઉપલબ્ધ રહેશે નહીં. પરિણામ એ આવે છે કે તમે રિડમ્પશન પછી ખરીદેલા યુનિટ સાથે તમારા નાણાકીય લક્ષ્યોને પૂર્ણ કરવામાં સક્ષમ નથી. આવી ક્રિયાઓ તમારા નાણાકીય આયોજનને નુકસાન પહોંચાડે છે.


બજારની વધઘટથી નર્વસ ગભરાવ નહી


શેરબજારમાં વધઘટનું જોખમ છે. તેનાથી ગભરાઈને ઘણા લોકો મ્યુચ્યુઅલ ફંડમાંથી પૈસા ઉપાડી લે છે અથવા રોકાણ કરવાનું બંધ કરી દે છે. બજારનો ઘટાડો વાસ્તવમાં લાંબા ગાળાની સંપત્તિ સર્જનની તક પૂરી પાડે છે. મંદી દરમિયાન રોકાણ કરવાનું ચાલુ રાખવાથી તમને સમાન રકમ માટે વધુ એકમો મળશે કારણ કે પ્રતિ યુનિટ ખર્ચ ઘટશે. જ્યારે બજાર વધે ત્યારે આ તમારા વળતરમાં વધારો કરશે.


લક્ષ્ય કે યોજના વિના રોકાણ


કોઈપણ નાણાકીય ધ્યેય વિના રોકાણ કરવું એ કદાચ સૌથી મોટી ભૂલ છે. રોકાણ કરેલ દરેક પૈસાનું નાણાકીય લક્ષ્ય હોવું જોઈએ. આ રોકાણકારોને તેમની રોકાણ યાત્રાની પ્રગતિને ટ્રેક કરવામાં મદદ કરે છે. દરેક વ્યક્તિએ તેના ટૂંકા, મધ્ય અને લાંબા ગાળાના નાણાકીય લક્ષ્યો નક્કી કરવા જોઈએ.