Tesla in India: ભારત સરકારે શુક્રવારે નવી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી (EV Policy) ની જાહેરાત કરી છે. ટેસ્લા સહિત વિશ્વભરની અગ્રણી EV વાહન ઉત્પાદક કંપનીઓ દ્વારા આ નીતિ પર નજર રાખવામાં આવી રહી હતી. નવી EV પોલિસીમાં સૌથી વધુ ભાર વિદેશી રોકાણ ભારતમાં લાવવા પર રહેશે. આ ઉપરાંત ઇવી ટેક્નોલોજીના ઉત્પાદનમાં ભારતને અગ્રેસર બનાવવાના પ્રયાસો પણ કરવામાં આવશે. આમાં વિદેશી કંપનીઓએ ઓછામાં ઓછા 4,150 કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડશે.


ઈમ્પોર્ટ ટેક્સમાં રાહત મળશે
ઈલેક્ટ્રિક વ્હીકલ સ્કીમને ભારત સરકારની નવી ઈવી નીતિ હેઠળ લાવવામાં આવી છે. આમાં ટેક્સમાં છૂટ પણ આપવામાં આવશે. નવી EV પોલિસી હેઠળ, જો કોઈ કંપની 50 કરોડ ડોલરથી વધુનું રોકાણ કરે છે અને 3 વર્ષમાં દેશમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપે છે, તો તેને આયાત કરમાં રાહત આપવામાં આવશે. આ સાથે, અગ્રણી EV ઉત્પાદક ટેસ્લા સહિત વિશ્વની મોટી કંપનીઓને ભારતમાં લાવવાના પ્રયાસો કરવામાં આવશે.


વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ કંપનીઓ ભારતમાં આવશે
સરકારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે વૈશ્વિક ઉત્પાદન કંપનીઓને ઈ-વ્હીકલ સેગમેન્ટમાં ભારતમાં લાવવાના પ્રયાસો કરવામાં આવશે. નવી નીતિ દેશમાં EV ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાની દિશામાં કામ કરશે. આ ઉપરાંત EV સેગમેન્ટની અદ્યતન ટેકનોલોજી પણ ભારતમાં આવી શકશે. આમાં 4,150 કરોડ રૂપિયાથી શરૂ કરીને કોઈપણ રકમનું રોકાણ કરી શકાય છે. કંપનીઓએ 3 વર્ષની અંદર ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા પડશે.


ભારતમાં બનેલા 50 ટકા સ્પેરપાર્ટ્સનો ઉપયોગ કરવો પડશે
નવી EV નીતિ અનુસાર, કંપનીઓએ 3 વર્ષમાં ભારતમાં બનેલા લગભગ 25 ટકા પાર્ટ્સ અને 5 વર્ષમાં ભારતમાં બનેલા ઓછામાં ઓછા 50 ટકા પાર્ટ્સનો ઉપયોગ કરવો પડશે. જો કોઈ કંપની ભારતમાં તેનો પ્લાન્ટ સ્થાપે છે, તો તેણે ભારતમાં 35,000 ડોલર અને તેનાથી વધુ કિંમતની કારના એસેમ્બલિંગ પર 15 ટકા કસ્ટમ ડ્યુટી ચૂકવવી પડશે. આ સુવિધા 5 વર્ષ માટે ઉપલબ્ધ રહેશે.


ટાટા અને મહિન્દ્રા માટે આંચકો
આ નવી EV પોલિસી ટાટા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા માટે એક ફટકો છે. આ સ્થાનિક દિગ્ગજો EV આયાત પર ટેક્સ મુક્તિનો વિરોધ કરી રહ્યા હતા. આ કંપનીઓ માને છે કે ટેક્સમાં ઘટાડાથી વૈશ્વિક કંપનીઓ માટે ભારતમાં મોંઘી EV કાર વેચવાનું સરળ બનશે. ટેસ્લાની માંગ હતી કે 40 હજાર ડૉલરથી ઓછી કિંમતની કાર પર કસ્ટમ ડ્યૂટીમાં 70 ટકા છૂટ અને 40 હજાર ડૉલરથી વધુ કિંમતની EV કાર પર કસ્ટમ ડ્યૂટીમાં 100 ટકા છૂટ આપવામાં આવે. વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું હતું કે ભારત કોઈના દબાણમાં આવ્યા વિના પોતાની સ્વતંત્ર નીતિ બનાવશે. અમે કોઈ એક કંપની માટે પોલિસી બનાવીશું નહીં. અમારો પ્રયાસ વિશ્વની તમામ EV કંપનીઓને ભારતમાં લાવવાનો રહેશે.