લંડનઃ પંજાબ નેશનલ બેન્કમાં 13 હજાર કરોડ રૂપિયાથી વધુના કૌભાંડના આરોપી નીરવ મોદીની ધરપકડ કરવામાં આવી છે. નીચલી અદાલતે નીરવ મોદીની જામીન અરજી ફગાવી દીધી હોવાથી 29 માર્ચ સુધી નીરવ મોદીને જેલમાં રહેવું પડશે. લંડનની વેસ્ટમિસ્ટર કોર્ટમાં સુનાવણી દરમિયાન જાણવા મળ્યું હતું કે, નીરવ મોદીને મેટ્રો બેન્કની એક બ્રાન્ચમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. એક બેન્ક અધિકારીની મદદથી આ ધરપકડ કરાઇ હતી. વાસ્તવમાં નીરવ મોદી મંગળવારે બેન્કમાં પોતાનું એકાઉન્ટ ખોલાવવા પહોંચ્યો હતો. બેન્ક ક્લાર્કે બેન્કિંગ કૌભાંડના આરોપી નીરવ મોદીને ઓળખી ગયો અને તરત જ સ્કોટલેન્ડ યાર્ડને જાણ કરી હતી. થોડા જ સમયમા પોલીસ ત્યાં પહોંચી હતી અને નીરવની ધરપકડ કરી હતી.
આ ઘટનાક્રમને નીરવ મોદીને ભારત લાવવાના ભારતીય તપાસ એજન્સીઓના પ્રયાસમાં એક મોટી સફળતા માનવામાં આવી રહી છે. ઇડીએ મની લોન્ડ્રરિંગ મામલે નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે લંડનની એક કોર્ટમાં અપીલ કરી હતી. કોર્ટે આ મામલે નીરવ મોદી વિરુદ્ધ અરેસ્ટ વોરંન્ટ જાહેર કર્યું હતું.
નોંધનીય છે કે નીરવ મોદી પાસેથી ત્રણ પાસપોર્ટ મળી આવ્યા હતા. તેની પાસેથી જે પાસપોર્ટ છે તેમાંથી એક મેટ્રોપોલિટન પોલીસ પાસે છે, બીજો પાસપોર્ટ બ્રિટનના ગૃહ વિભાગ પાસે છે અને તેની એક્સપાયરી ડેટ ખત્મ થઇ ગઇ છે. જ્યારે ત્રીજો પાસપોર્ટ બ્રિટનના ડ્રાઇવિંગ એન્ડ વ્હીકલ લાઇસન્સ ઓથોરિટી પાસે છે. હજુ સુધી એ સ્પષ્ટ થઇ શક્યું નથી કે નીરવ મોદી પાસેથી આટલા પાસપોર્ટ કેવી રીતે આવ્યા હતા.