નવી દિલ્હી: પંજાબ નેશનલ બેન્કમાં મેહલુ ચોક્સી સાથે મળીને 14 હજાર કરોડથી વધુનું કૌભાંડ કરનાર હિરાના બિઝનેસમેન નીરવ મોદીને ભારત લાવવાને લઈ ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. ભાગેડું નીરવ મોદીને જલ્દી ભારત લાવવામાં આવશે. ઈંગ્લેન્ડના હોમ ડિપાર્ટમેન્ટે પ્રત્યાર્પણની મંજૂરી આપી દિધી છે.
હીરાના વેપારી નીરવ મોદી પર PNB માંથી આશરે 14 હજાર કરોડની છેતરપિંડીનો આરોપ છે. નીરવ મોદી કૌભાંડનો કેસ સામે આવ્યા બાદ જાન્યુઆરી 2018માં ભારત છોડી ભાગી ગયો હતો. હાલના સમયે નીરવ મોદી લંડનની એક જેલમાં બંધ છે.
ભારતમાંથી ફરાર થયા બાદ જ ભારત સરકારે નીરવ મોદીના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરી હતી. કેસ કોર્ટમાં ગયો હતો. ત્યારબાદ આ વર્ષે 25 ફેબ્રુઆરીએ બ્રિટનની એક કોર્ટે નીરવ મોદીને ભારત પ્રત્યાર્પણ કરવાનો નિર્ણય કર્યો હતો. હવે ત્યાના ગૃહ વિભાગે નીરવ મોદીને ભારતને પ્રત્યાર્પણ કરવા માટે હસ્તાક્ષર કરી દિધા છે.
ડિસેમ્બર 2019માં ડાયમંડ વેપારીને ભાગેડુ આર્થિક આરોપી જાહેર કરવામાં આવ્યો હતો. વર્તમાનમાં નીરવ મોદી 19 માર્ચ 2019ના રોજ પોતાની ધરપકડ બાદ લંડનના વૈંડસવર્થ જેલમાં બંધ છે. તેના પર પંજાબ નેશનલ બેન્ક કૌભાંડમાં લેટર ઓફ અન્ડરટેકિંગથી મળતા મોટા લાભો લેવાનો આરોપ છે.
બ્રિટનની અદાલતે પણ ગઈ 25 ફેબ્રુઆરીએ નીરવ મોદીને ભારત મોકલવાની મંજૂરી આપી દીધી હતી. આમ, નીરવને ભારત લાવવાનો માર્ગ મોકળો થયો છે. મુંબઈની આર્થર રોડસ્થિત કેન્દ્રિય જેલમાં નીરવ મોદી માટે એક સ્પેશિયલ કોટડી પણ તૈયાર રાખવામાં આવી છે. કહેવાય છે કે નીરવને એક વાર મુંબઈ લાવવામાં આવે એ પછી એને 12 નંબરની બેરેકમાં ત્રણમાંની એક કોટડીમાં રાખવામાં આવશે, જ્યાં સુરક્ષાનો અત્યંત કડક બંદોબસ્ત રખાશે.