નવી દિલ્હીઃ GST Councilની 37મી બેઠક પહેલા નાણાં મંત્રી નિર્મલા સિતારમણે ઇન્ડિયા ઇંકને બૂસ્ટર ડોઝ આપ્યો હતો. જોકે તેના થોડા સમય પછી જીસીએટી કાઉન્સિલે કાફેનેટેડ ડ્રિન્ક્સ ઉપર GST દર વધારીને ઝાટકો આપ્યો છે. આ નિર્ણયના કારણે કાફેનેટેડ ડ્રિન્ક્સ પર લાગતો 18 ટકા જીએસટી વધીને 28 ટકા થઈ ગયો છે. આ સાથે કાફેનેટેડ ડ્રિન્ક્સ ઉપર 12 ટકા સેસ પણ લાગશે. કૈફિનેટેડ ડ્રિંક્સ એ હોય છે, જેમાં કેફીનની માત્રા હોય છે. સામાન્ય રીતે કૉફી અને ચા સહિતનાં ઘણા એનર્જી ડ્રિંક્સમાં કેફીન મળી આવે છે. કેફીન આપણા મગજ અને નર્વસ સીસ્ટમ પર અસર કરે છે.


જીએસટી કાઉન્સિલની બેઠકમાં હોટલ ટેરિફ પર ટેક્સ ઘટાડાનો પ્રસ્તાવ માની લેવામાં આવ્યો છે. આ નિર્ણય પછી હવે 7500 રૂપિયાથી વધારેના રૂમ પર 18 ટકા જીએસટી લાગશે. જ્યારે 7500થી રૂપિયાથી ઓછાની રકમના રૂમ ભાડા પર આ ટેક્સ 12 ટકા રહેશે.

આઉટડોર કેટરિંગ પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ વિના 5 ટકા GST રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. લોટરી ટિકિટ પર એક દર રાખવાનો નિર્ણય ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ પાસે વિચારણા માટે મોકલવામાં આવ્યો છે.

નાણાંમંત્રીએ જણાવ્યું કે મરીન ઇંધણ પર 18 ટકામાંથી 5 ટકા અને ઓછા કિંમતી રત્નો પર 3 ટકાથી ઘટાડીને 0.25 ટકા જીએસટી કરવામાં આવ્યો છે. પોલીપ્રોપેલીન અને પોલીઇથીલીન પર 12 ટકા જ્યારે રેલવે વેગન અને કોચ પર 5 ટકાથી વધારીને 12 ટકા જીએસટી કરવામાં આવ્યો છે.

વિદેશથી આયાત થતા ડિફેન્સના ઉપકરણો પર 2024 સુધી GST/IGSTમાંથી છૂટ આપવામાં આવી છે. અન્ડર 17 મહિલા વર્લ્ડકપને ધ્યાનામાં રાખીને ફુટબોલ બોડી ફીફા અને ખાસ લોકોને મોકલવામાં આવતી ચીજો અને સેવાઓને પણ જીએસટીમાંથી છૂટ આપવામાં આવી છે.