નવી દિલ્હીઃ મંદીમાં સપડાયેલી અર્થવ્યવસ્થાને બુસ્ટ કરવા માટે શુક્રવારે નાણામંત્રી નિર્મલા સીતારમણ એકવાર ફરી મીડિયા સામે આવ્યા હતા. નિર્મલા સીતારમણનું બજારે જોરદાર સ્વાગત કર્યુ હતું. સરકારના બુસ્ટર ડોઝના કારણે દિવસભર દરમિયાન ઇતિહાસની સૌથી મોટી તેજી જોવા મળી હતી. બિઝનેસ દરમિયાન એક સમયે સેન્સેક્સમાં 2250 અંકથી વધારનો ઉછાળો જોવા મળ્યો હતો. દિવસના અંતમાં સેન્સેક્સ 1921 અંક ઉછળીને 38,014ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી પણ 569 અંકના ઉછાળા  સાથે 11,274 પર રહ્યો હતો.


નિર્મલા સીતારમણની પ્રેસ કોન્ફરન્સ બાદ શેર બજારમાં તેજી જોવા મળી હતી. જેણે એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. વાસ્તવમાં બિઝનેસ દરમિયાન એક સમયે સેન્સેક્સમાં 2250 અંકનો વધારો થયો હતો જ્યારે નિફ્ટીએ 650 અંકનો ઉછાળો નોંધાયો હતો. આ અગાઉ 18 મે 2009ના રોજ સેન્સેક્સમાં 2110 અંકની તેજી આવી હતી. ત્યારે તત્કાલિન યુપીએ સરકારને એકવાર ફરી સત્તામાં વાપસી કરવાની માર્કેટે ઉજવણી કરી હતી.

શેરબજારની આ સપ્તાહની તેજીના કારણે રોકાણકારોના સાત લાખ કરોડ રૂપિયાનો નફો થયો છે. વાસ્તવમાં ગુરુવારે બીએસઇની માર્કેટ કેપ 1,38,54,439.41 લાખ કરોડ રૂપિયા હતો જે શુક્રવારે બજાર બંધ થતા સમયે 1,45,37,378.01 લાખ કરોડ પર પહોંચી ગયો હતો.