નવી દિલ્હી: કોરોના વાયરસને લઇને રેલવે દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. ભારતમાં કોરોના વાયરસના વધી રહેલા પ્રકોપને લઈને ભારતીય રેલવેએ જાહેરાત કરી છે કે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોએ ઘરેથી બ્લેન્કેટ લઈને જવું પડશે. વેસ્ટર્ન રેલ્વેએ કહ્યું, ટ્રેનમાં રેલ્વે તરફથી કોઈ જ બ્લેન્કેટ આપવામાં નહીં આવે. સાથે જ કોચમાં લગાવવામાં આવેલા પડદા પણ હટાવી દેવામાં આવશે.



ભારતીય રેલવેનું કહેવું છે કે, બ્લેન્કેટ અને પડદા દરરોજ સાફ કરવામાં નથી આવતા. જેને લઈને મુસાફરોએ પોતાની જરૂરિયાત મુજબ ધાબળો ઘરેથી લઈ આવવો. લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ કરવામાં આવ્યું છે. જેના કારણે કોરોના વાયરસથી સંક્રમિત થવાય નહીં. જો કે, રેલ્વેએ આ માટે દુખ પણ વ્યક્ત કર્યું છે.

રેલવેએ હાલમાં તમામ ટ્રેનને વ્યવસ્થિત રીતે સાફ કરવાનો આદેશ આપ્યો છે. એસી કોચમાં પડદા પણ હટાવી દેવામાં આવ્યા છે. ટ્રેનને સેનેટાઈઝ કરવામાં આવી રહી છે. એટલા માટે સફાઈકર્મીઓને પણ આદેશ આપવામાં આવ્યા છે. સ્ટેશનો પર લાગેલી બેંચ, ખુરશી, સાથે સાથે વોશરૂમ તથા પાણી પીવાની જગ્યાને વ્યવસ્થિત રીતે સાફ કરવાના પણ આદેશ આપ્યા છે. સાથે જ હેંડવોશ પણ રાખવાનો આદેશ આપ્યો છે.