કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ સભ્યોની પ્રોફાઇલ અપડેટ કરવાના નિયમોમાં ફેરફાર કર્યા છે. નવા સુધારા હેઠળ EPF સભ્યો કોઈપણ દસ્તાવેજો અપલોડ કર્યા વિના પર્સનલ ડિટેઇલ્સ સાથે તેમના આધાર-લિંક્ડ યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) ને અપડેટ કરી શકે છે.
જો UAN આધાર સાથે જોડાયેલ હોય તો EPF સભ્યો કોઈપણ દસ્તાવેજો અપલોડ કર્યા વિના નામ, જન્મ તારીખ, જેન્ડર, રાષ્ટ્રીયતા, પિતા કે માતાનું નામ, વૈવાહિક સ્થિતિ, જીવનસાથીનું નામ, જોઇન કરવાની તારીખ અને નોકરી છોડવાની તારીખ જેવી વ્યક્તિગત વિગતો સાથે તેમની પ્રોફાઇલ અપડેટ કરી શકે છે. આ માટે બીજા કોઈ દસ્તાવેજની જરૂર રહેશે નહીં.
અગાઉ સભ્યોને તેમની પ્રોફાઇલ અપડેટ કરવા માટે તેમના એમ્પ્લોયર પાસેથી મંજૂરી લેવી પડતી હતી, જેના પરિણામે સરેરાશ 28 દિવસનો વિલંબ થતો હતો. EPFOના આ ફેરફારથી 7 કરોડ સભ્યોને ફાયદો થશે.
આ લોકોએ હજુ પણ મંજૂરી લેવી પડશે
EPFOના એક નિવેદન અનુસાર, 'નાણાકીય વર્ષ 2024-25 માં નોકરીદાતાઓ દ્વારા સુધારા માટે EPFO ને મળેલી કુલ 8 લાખ વિનંતીઓમાંથી લગભગ 45 ટકા ફેરફારો સભ્ય પોતે નોકરીદાતા દ્વારા ચકાસણી અથવા EPFO દ્વારા મંજૂરી વિના અપડેટ કરી શકે છે.' જોકે, જો UAN 1 ઓક્ટોબર, 2017 પહેલા જાહેર કરવામાં આવ્યું હોય તો પ્રોફાઇલમાં કોઈપણ અપડેટ માટે એમ્પ્લોયરની મંજૂરીની જરૂર પડશે.
આધાર-પાન લિંક કરવું ફરજિયાત છે
જોકે, કોઈપણ અપડેટ અથવા ક્લેમ માટે સભ્યોએ તેમના EPF ખાતા સાથે તેમના આધાર અને PAN ને લિંક કરવા પડશે. EPFO વિગતો અને આધાર વચ્ચે કોઈપણ ભૂલ મંજૂરીમાં વિલંબ કરી શકે છે. આવી સમસ્યાઓને દૂર કરવા માટે એમ્પ્લોયર અને EPFO ની મંજૂરીના સમયના આધારે પ્રક્રિયામાં થોડા અઠવાડિયા લાગી શકે છે.
UAN શું છે?
UAN એ 12 અંકનો નંબર છે જે PF ખાતાનું નિરીક્ષણ કરવામાં મદદ કરે છે. પીએફ ખાતામાં બેલેન્સ ચેક કરવાથી લઈને અન્ય કોઈપણ ફેરફાર કરવા સુધી UAN જરૂરી છે. રોજગાર સાથે જોડાયેલ પ્રોત્સાહન (ELI) યોજનાનો લાભ લેવા માટે, UAN એક્ટિવેશન અને બેન્ક ખાતાને આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે.
EPF પ્રોફાઇલ કેવી રીતે અપડેટ કરવી?
EPFની સત્તાવાર વેબસાઇટ www.epfindia.gov.in પર પોર્ટલની મુલાકાત લો.
UAN નંબર, પાસવર્ડ અને કેપ્ચા જેવી વિગતો દાખલ કરીને સભ્ય પોર્ટલમાં લોગ ઇન કરો.
મેનુની ટોચ પર 'મેનેજ કરો' વિકલ્પ પસંદ કરો.
હવે સભ્યોએ 'મોડિફાઇ બેઝિક ડિટેઇલ્સ' નો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
આધાર કાર્ડ મુજબ તમારી વ્યક્તિગત વિગતો દાખલ કરો અને સબમિટ કરો.
લાસ્ટમાં 'ટ્રેક રિક્વેસ્ટ' વિકલ્પનો ઉપયોગ કરીને પ્રોફાઇલ અપડેટ પ્રક્રિયાને ટ્રેક કરી શકો છો.