No Privatization of PSU Companies: જે સરકારી કર્મચારીઓ મોદી સરકારની પ્રાઇવેટાઇઝેશન (Privatisation)ને પ્રોત્સાહન આપતી પોલિસીઓથી ડરી રહ્યા હતા, તેમના માટે રાહતભર્યા સમાચાર છે. ભારત સરકાર 200થી વધુ સરકારી કંપનીઓની સ્થિતિ સુધારવાની યોજના બનાવી રહી છે, જેથી તેમને વધુ નફાકારક બનાવી શકાય. આનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આક્રમક પ્રાઇવેટાઇઝેશન પ્રોગ્રામથી અલગ એક નવા વલણનો સંકેત મળે છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે તેના એક અહેવાલમાં સરકારી સૂત્રોના હવાલાથી આ માહિતી આપી છે.


વર્ષ 2021માં ભારતના 600 બિલિયન ડોલરના વિશાળ સરકારી ક્ષેત્રના એક મોટા ભાગના ખાનગીકરણ કાર્યક્રમની જાહેરાત થઈ હતી. પરંતુ સામાન્ય ચૂંટણી પહેલા આ પ્રોગ્રામ ધીમો પડી ગયો હતો અને હવે ગઠબંધનની સરકાર આવ્યા બાદ પ્રાઇવેટાઇઝેશન પ્રોગ્રામનો વધુ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.


23 જુલાઈએ રજૂ થનારા બજેટમાં નવી યોજના આવી શકે છે. આમાં આ કંપનીઓની માલિકીની જે જમીનનો ઉપયોગ નહીંવત્ થઈ રહ્યો છે તેને વેચવી અને અન્ય એસેટ્સનું મોનેટાઇઝેશન સામેલ છે. રિપોર્ટમાં પોલિસીની જાણકારી ધરાવતા 2 અધિકારીઓએ આ વાત કહી. સરકારનો આનાથી હેતુ આ નાણાકીય વર્ષમાં 24 અબજ ડોલર એકત્ર કરવાનો છે અને તે પૈસાને આ કંપનીઓમાં રી ઇન્વેસ્ટ કરવાનો છે. સાથે જ શોર્ટ ટર્મ ટાર્ગેટ્સને બદલે દરેક કંપની માટે 5 વર્ષના પરફોર્મન્સ અને પ્રોડક્શન ટાર્ગેટ્સ નક્કી કરવામાં આવશે. સરકારી કંપનીઓની સ્થિતિ સુધારવા વિશે આ પહેલા વાત થઈ નહોતી.


સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, સરકારી સંપત્તિઓના અંધાધૂંધ વેચાણને બદલે હવે સરકારી કંપનીઓના આંતરિક મૂલ્યને વધારવા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અન્ય યોજનાઓ ઉપરાંત, સરકાર મોટાભાગની સરકારી કંપનીઓમાં succession planning કરવાનો ઇરાદો ધરાવે છે. સાથે જ 2,30,000 મેનેજર્સને કંપનીઓમાં વરિષ્ઠ ભૂમિકાઓ માટે તાલીમ આપવાનો પ્રસ્તાવ પણ રાખ્યો છે. વર્તમાનમાં સરકારી કંપનીઓમાં ટોચના અધિકારીઓની નિમણૂક સરકાર જ કરે છે.


વર્ષ 2021માં જાહેર કરાયેલી યોજના અનુસાર બે બેંક, એક વીમા કંપની અને સ્ટીલ, ઊર્જા અને દવા ક્ષેત્રની સરકારી કંપનીઓને વેચવાની હતી. સાથે જ ખોટમાં ચાલી રહેલી કંપનીઓને બંધ કરવાની હતી. પરંતુ સરકાર માત્ર દેવામાં ડૂબેલી એર ઈન્ડિયાને જ ટાટા ગ્રુપને વેચવામાં સફળ રહી. કેટલીક અન્ય કંપનીઓને વેચવાની યોજનાને તેણે પાછી ખેંચવી પડી. એલઆઈસીમાં સરકારે માત્ર 3.5% હિસ્સેદારી વેચી છે. સાથે જ કેટલીક અન્ય કંપનીઓમાં શેર વેચવામાં આવ્યા છે. ઈન્ડિયા રેટિંગ્સના મુખ્ય અર્થશાસ્ત્રી સુનીલ સિન્હાએ કહ્યું કે બહુમતી ન હોવાને કારણે મોદી સરકાર માટે સરકારી કંપનીઓના વેચાણને આગળ વધારવું મુશ્કેલ હશે.