નવી દિલ્હીઃ ઘણી વખત માર્કેટમાં જતા સમયે તમને વોલેટ ભૂલી જાવ છો. રોકડ કે ડેબિટ કાર્ડ વગર ખરીદી કરવી મુશ્કેલ હોય છે, પરંતુ હવે એવું નહીં થાય. હવે ડેબિટ કાર્ડ વગર પણ તમે પેમેન્ટ કરી શકશો. હવે આધાર નંબર દ્વારા તમે તમારું બિલ પે કરી શકશો. ભીમ આધાર પેમેન્ટ મોડે નવી સુવિધા લોન્ચ કરી છે. આ નવી સર્વિસ બાદ તમે આધાર નંબરની મદદથી પેમેન્ટ કરી શકશો. SBIએ પોતાના ખાતાધારકો માટે ખાસ સર્વિસ શરૂ કરી છે. બેંકે BHIM-Aadhaar-SBI મોબાઈલ એપની શરૂઆત કરી છે.

આ માટે દુકાનદારે આ એપ પર પોતાનુ રજીસ્ટ્રેશન કરવુ પડશે. તેના માટે નામ, સરનામુ, ફોન નંબર, આધાર નંબર અને વેપાર સંબંધી જાણકારી અને જે બેન્ક એકાઉન્ટમાં પેમેન્ટ મેળવવુ હોય, તેને સિલેક્ટ કરવુ પડશે. ધ્યાન રહે કે આ ખાતુ આધાર સાથે લિંક હોવુ જોઇએ. રજીસ્ટ્રેશન થયા બાદ દુકાનદારે ગ્રાહકની ફિંગર પ્રિન્ટ લેવા માટે એક STQC સર્ટિફાઇડ FP સ્કેનરની જરૂરિયાત હશે. આ સ્કેનરને એન્ડ્રોઇડ મોબાઇલ સાથે કનેક્ટ કરવાનુ રહેશે.



દરેક ખરીદી બાદ તમારે ફક્ત તમારા બેન્કનુ નામ સિલેક્ટ કરીને આધાર નંબર, રકમ પોતાના દુકાનદારના મોબાઇલમાં એન્ટર કરવાની છે અને તમારા અંગૂઠાના નિશાનને સ્કેન કરીને તમારા પેમેન્ટને વેરિફાય કરવાનુ છે. બાદમાં તમે એન્ટર કરેલી રકમ સીધી જ દુકાનદારના ખાતામાં ટ્રાન્સફર થઈ જશે. પેમેન્ટ સક્સેસ થવા પર તમને SMSથી તેની જાણ કરવામાં આવશે.

BHIM Aadhaar SBI એપ ગૂગલ પ્લે સ્ટોર પર પણ ઉપલબ્ધ છે. આ એપને ફક્ત દુકાનદાર/મર્ચન્ટ/ટ્રેડર્સ/નાના ઉદ્યોગપતીએ ઇન્સ્ટોલ કરવાની હોય છે, ગ્રાહકે નહી.