ભારતમાં બુકિંગ શરૂ થતાં જ ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરનું બમ્પર વેચાણ થયું છે. ઓલાના સહ-સ્થાપક ભાવિશ અગ્રવાલના જણાવ્યા અનુસાર, S1 ઇલેક્ટ્રિક સ્કૂટરનું વેચાણ બે દિવસમાં રૂ. 1,100 કરોડને પાર કરી ગયું છે. અગ્રવાલે કહ્યું કે કંપનીએ અત્યારે વેચાણ બંધ કરી દીધું છે, પરંતુ દિવાળીના સમયે 1 નવેમ્બરે વેચાણ ફરી શરૂ થશે. ચાલો તેની કિંમત વિશે જાણીએ.


બે દિવસમાં 1100 કરોડનો આંકડો પાર કર્યો


ઓલા ઇલેક્ટ્રિકે બુધવારે તેના ઇલેક્ટ્રિક સ્કૂટરનું વેચાણ શરૂ કર્યું, જે ઓલા એસ 1 (Ola S1) અને એસ 1 પ્રો (S1 Pro) બે વેરિએન્ટમાં આવે છે. કંપનીએ પહેલા દિવસે 600 કરોડ રૂપિયાના સ્કૂટર વેચ્યા હતા. એક ટ્વિટમાં અગ્રવાલે કહ્યું, "EV યુગનો બીજો દિવસે પહેલા દિવસ કરતાં પણ વધુ સારો હતો. બે દિવસમાં વેચાણ 1100 કરોડનો આંકડો પાર કરી ગયું. 1 નવેમ્બરના રોજ ખરીદીની વિન્ડો ફરી ખુલશે."


એક દિવસમાં રેકોર્ડ વેચાણ


તેમણે વધુમાં ઉમેર્યું, "કુલ બે દિવસમાં, અમે વેચાણમાં રૂ. 1,100 કરોડથી વધુની કમાણી કરી છે. આ માત્ર ઓટો ઉદ્યોગમાં અભૂતપૂર્વ નથી, પરંતુ તે ભારતીય ઈ-કોમર્સમાં સિંગલ પ્રોડક્ટ માટે એક દિવસ (મૂલ્ય દ્વારા)માં સૌથી વધારે વેચાણ પણ છે. ઇતિહાસ! અમે સાચા અર્થમાં ડિજિટલ ભારતમાં જીવી રહ્યા છીએ. "


ડિલિવરી ઓક્ટોબરથી આપવામાં આવશે


આપને જણાવી દઈએ કે ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરની ડિલિવરી ઓક્ટોબર 2021 થી શરૂ કરવામાં આવશે. માનવામાં આવે છે કે આગામી બે દિવસમાં ડિલિવરીની તારીખો પણ જાહેર કરી શકાય છે, જેમાં આ સ્કૂટર તમારા ઘરે ક્યારે આવશે તે જાણી શકાશે.


કેટલી કિંમત છે


ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમતની વાત કરીએ તો તેના એસ 1 વેરિએન્ટની એક્સ-શોરૂમ કિંમત 99,999 રૂપિયા છે, જ્યારે તમે સ્કૂટરનું એસ 1 પ્રો વેરિએન્ટ 1,29,999 રૂપિયાની એક્સ-શોરૂમ કિંમત માટે ઘરે લાવી શકો છો. તમે ટેસ્ટ ડ્રાઇવ લઈને ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરનો ઓર્ડર પણ રદ કરી શકો છો.