Ola Electric IPO Update: ઓલા ઈલેક્ટ્રિક એ દેશની સૌથી મોટી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપની છે જે દર મહિને 30,000 ઈ-સ્કૂટર્સનું વેચાણ કરે છે અને કંપની પાસે 30 ટકા માર્કેટ શેર છે.
ઓલા ઈલેક્ટ્રીક આઈપીઓ લોન્ચ કરવા માટે સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે ડ્રાફ્ટ પેપર ફાઈલ કરવાની તૈયારી કરી રહી છે. ઓલા ઈલેક્ટ્રીક ઓક્ટોબર 2023ના અંત સુધીમાં સેબીમાં ડ્રાફ્ટ પેપર ફાઈલ કરી શકે છે જેથી કંપની જલ્દીથી મંજૂરી મેળવ્યા બાદ આઈપીઓ લોન્ચ કરી શકે. ઓલા ઈલેક્ટ્રિક IPO દ્વારા માર્કેટમાંથી $700 મિલિયન એકત્ર કરવાની તૈયારી કરી રહી છે.
સિંગાપોરની ટેમાસેક અને જાપાનની સોફ્ટબેંક સમર્થિત ઓલા ઈલેક્ટ્રીકે તાજેતરમાં $5.4 બિલિયનના મૂલ્યાંકન પર ભંડોળ એકત્ર કર્યું હતું. રોઇટર્સના અહેવાલ મુજબ, બેન્કર્સ અને વકીલોને મોકલવામાં આવેલા એક ઇમેઇલમાં, ઓલા ઇલેક્ટ્રિક એક્ઝિક્યુટિવ્સે IPOના બાહ્ય સલાહકારો અને કોટક, ICICI, બેન્ક ઓફ અમેરિકા અને ગોલ્ડમેન સૅક્સ સહિત ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ એકમોને પાંચ સપ્તાહની સમયમર્યાદામાં તેને પ્રાથમિકતા આપવા જણાવ્યું છે.
ઓલા ઈલેક્ટ્રિક આઈપીઓ પ્રોજેક્ટને પ્રોજેક્ટ હિમાલયાનું કોડનેમ આપવામાં આવ્યું છે. એકવાર IPO માટે ડ્રાફ્ટ પેપર ફાઈલ થઈ જાય બાદ SEBI તેની સમીક્ષા કરશે. ઓલા ઈલેક્ટ્રિક જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી 2024માં આઈપીઓ લોન્ચ કરવા માટે રોડ શો યોજવાનું આયોજન કરી રહી છે.
ભાવિશ અગ્રવાલ ઓલા ઇલેક્ટ્રિકના સ્થાપક છે, જે દેશમાં ઈ-સ્કૂટર સેગમેન્ટમાં લગભગ 30 ટકા બજારહિસ્સો ધરાવે છે. ઓલા ઈલેક્ટ્રિક એ દેશની સૌથી મોટી ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપની છે જે દર મહિને 30,000 ઈ-સ્કૂટર્સનું વેચાણ કરે છે. ઓલા ઈલેક્ટ્રિકનો ભાર એફોર્ડેબલ ઈ-સ્કૂટર્સ પર છે જેની છૂટક કિંમત $1080 થી શરૂ થાય છે. ઓલા ઈલેક્ટ્રીક હજુ પણ ખોટ સહન કરી રહી છે. નાણાકીય વર્ષ 2022-23માં, કંપની $335 મિલિયનની આવક પર $136 મિલિયનની ઓપરેટિંગ ખોટનો સામનો કરી રહી છે.