Indian Extended Ban on Onion Export: લોકસભા ચૂંટણી પહેલા એક મોટો નિર્ણય લેતા ભારત સરકારે શનિવારે ડુંગળીની નિકાસ પર લાંબા સમય સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલા પ્રતિબંધની સમય મર્યાદા 31 માર્ચ સુધી હતી. હવે તેને અનિશ્ચિત સમય માટે લંબાવવામાં આવ્યો છે. આ ચોંકાવનારા નિર્ણયને દેશમાં યોજાનારી લોકસભા ચૂંટણી સાથે જોડવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકાર નથી ઈચ્છતી કે સામાન્ય ચૂંટણી દરમિયાન ડુંગળીના ભાવ વધે. સરકારના આ નિર્ણયને કારણે કેટલાક વિદેશી બજારોમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચી શકે છે.


આ પ્રતિબંધ 31 માર્ચે સમાપ્ત થઈ રહ્યો હતો


ભારત ડુંગળીની સૌથી મોટી નિકાસ કરે છે.  દેશમાં ડુંગળીની વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ડિસેમ્બર 2023માં તેની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ પ્રતિબંધની અવધિ 31 માર્ચ 2024 સુધી હતી. પ્રતિબંધ બાદ ભારતમાં ડુંગળીના ભાવ અડધાથી પણ ઓછા દરે આવી ગયા છે. આ ઉપરાંત સીઝનનો નવો પાક પણ બજારમાં આવવા લાગ્યો છે. આ પછી, વેપારીઓને આશા હતી કે સરકાર ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવીને તેમને સારા સમાચાર આપશે. પરંતુ સરકારે તેનાથી વિપરીત નિર્ણય લઈને સૌને ચોંકાવી દીધા હતા. કેન્દ્ર સરકારે શુક્રવારે રાત્રે આ અંગે આદેશ જારી કર્યો હતો. આગામી આદેશ ન આવે ત્યાં સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ ચાલુ રહેશે તેમ કહેવામાં આવ્યું છે.


ડુંગળીના ભાવ ચાર ગણા નીચે આવ્યા છે


નિકાસ કરતી કંપનીઓએ આ નિર્ણયને બિનજરૂરી ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે પુરવઠામાં વધારો અને ભાવમાં ઘટાડો થવા છતાં ડુંગળીની નિકાસ બંધ કરવામાં આવી રહી છે. આ યોગ્ય નથી. મહારાષ્ટ્રમાં ડુંગળીના જથ્થાબંધ ભાવ ઘટીને 1200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયા છે. ડિસેમ્બરમાં ડુંગળીના ભાવ 4500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયા હતા. બાંગ્લાદેશ, મલેશિયા, નેપાળ અને સંયુક્ત અમીરાત ભારતમાંથી આવતા ડુંગળી પર ઘણી હદ સુધી નિર્ભર છે. 



ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદવા પાછળ સરકારનો હેતુ દેશના સ્થાનિક બજારમાં ડુંગળીના ભાવને વધતા રોકવાનો હતો. જેથી સ્થાનિકોને ઓછી કિંમતે ડુંગળી મળી રહે. પરંતુ તેનાથી ડુંગળીના ભાવ 50 ટકા કરતાં પણ વધારે ઘટી ગયા. જેના કારણે ખેડૂતોને મળતા ભાવમાં પણ ખૂબજ ઘટાડો થઈ ગયો.