Onion Latest Price:  સામાન્ય લોકોને મોંઘવારીમાંથી રાહત આપવા સરકાર સતત પ્રયાસો કરી રહી છે. આ કારણથી સામાન્ય લોકોને લગભગ એક મહિનાથી સસ્તા દરે ટામેટાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. હવે સરકાર પણ સસ્તા ભાવે ડુંગળી ઉપલબ્ધ કરાવવા જઈ રહી છે. આ અંતર્ગત લોકોને 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી મળશે.


સોમવાર 21 ઓગસ્ટથી રાહત ભાવે ડુંગળીનું વેચાણ શરૂ થશે. સસ્તા ભાવે ડુંગળીનું આ વેચાણ સહકારી એજન્સી નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ એટલે કે (NCCF) દ્વારા કરવામાં આવશે.


એક દિવસ અગાઉ નિકાસ પર લગાવી ડ્યુટી


સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સોમવારથી NCCF 25 રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે ડુંગળી વેચશે. આ પહેલા શનિવારે સરકારે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ લગાવવાની માહિતી આપી હતી. કેન્દ્ર સરકારે દેશમાંથી ડુંગળીના નિકાસ પર 40 ટકાની ભારે ડ્યુટી લાદવાનો નિર્ણય કર્યો છે. નિકાસ પરનો આ પ્રતિબંધ 31 ડિસેમ્બર 2023 સુધી અમલમાં રહેશે.


આ કારણે લેવાયા પગલાં


કેન્દ્ર સરકારના આ પગલાને ડુંગળીના ભાવમાં વધારાની આશંકા દૂર કરવાના પ્રયાસોના સંદર્ભમાં જોવામાં આવી રહ્યું છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે ટામેટા બાદ ડુંગળી પણ સામાન્ય લોકોની મુશ્કેલીમાં વધારો કરી શકે છે અને સપ્ટેમ્બરથી તેના ભાવમાં ભારે વધારો જોવા મળી શકે છે. આ જ કારણ છે કે આગામી મહિનાઓમાં તહેવારોની સીઝનમાં મોંઘવારી લોકોને વધુ પરેશાન ન કરે તે માટે સરકારે તૈયારીઓ કરી લીધી છે


સરકાર બફર સ્ટોક વધારી રહી છે


ડુંગળીના ભાવને નિયંત્રિત કરવાના પ્રયાસોના ભાગરૂપે સરકારે તેના બફર સ્ટોકની મર્યાદા પણ વધારી દીધી છે. અગાઉ, ડુંગળી માટે બફર મર્યાદા 3 લાખ મેટ્રિક ટન નક્કી કરવામાં આવી હતી. નિર્ધારિત લક્ષ્‍યાંક અનુસાર ખરીદી પૂર્ણ થયા બાદ સરકારે હવે તે વધારીને 5 લાખ ટન કરી છે. સરકારે બંને સહકારી એજન્સીઓ NCCF અને નાફેડને દરેક વધારાના 1 લાખ ટન ખરીદવા જણાવ્યું છે.


બીજી તરફ સરકારે બફર સ્ટોકમાંથી ડુંગળીને બજારમાં મોકલવાનું શરૂ કરી દીધું છે. અત્યાર સુધીમાં તેમાથી લગભગ 1400 ટન ડુંગળી બજારમાં લાવવામાં આવી છે. આ સ્થાનિક બજારમાં ડુંગળીની માંગને પહોંચી વળવા માટે છે જેથી સ્થાનિક બજારમાં ડુંગળીના ભાવ ટામેટાંની જેમ આસમાને ના પહોંચી જાય.


ટામેટાએ લોકોને કર્યા પરેશાન


આ પહેલા ટામેટાંના ભાવે લોકોને પરેશાન કર્યા છે. દેશના વિવિધ શહેરોમાં એક સમયે ટામેટાંના ભાવ 200-250 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા હતા. જે બાદ NCCF અને NAFEDએ સસ્તા દરે ટામેટાં વેચવાનું શરૂ કર્યું. અગાઉ ટામેટાં 90 પ્રતિ કિલો વેચાતા હતા. હવે આજથી તેની કિંમત 40 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. ટામેટાં અને અન્ય શાકભાજીના ભાવમાં વધારાને કારણે જૂલાઈમાં છૂટક મોંઘવારી દર 7 ટકાને પાર કરી ગયો હતો.