નવી દિલ્હીઃ પબ્લિક સેક્ટરની કેનેરા બેંકે દેશમાં પ્રથમ વખત એટીએમમાંથી રૂપિયા ઉપાડવા માટે ઓટીપી (વન ટાઈમ પાસવર્ડ)ની સુવિધા શરૂ કરી છે. એક દિવસમાં 10 હજારથી વધારે રોકડ ઉપાડવા માટે લોકોએ પોતાના  પિન નંબરની સાથે ફોન પર આવેલ ઓટોપી પણ નાંખવો પડશે. એટીએમ ફ્રોડ રોકવા માટે આરબીઆઈએ બેંકોને પગલા લેવા માટે કહ્યું હતું. તે અંતર્ગત કેનેરા બેંકે આ નવી સુવિધા લોન્ચ કરી છે.

મીડિયા અહેવાલ અનુસાર, આરબીઆઈએ એટીએમ ફ્રોડની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને બેંકોને નિર્દેશ આપ્યા હતા કે તે તેનો રોકવા માટે યોગ્ય પગલા લે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એક વરિષ્ઠ અધિકારી અનુસાર આરબીઆઈના નિર્દેશનું તમામ બેંકોએ પાલન કરવાનું રહેશે. આરબીઆઈએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે, એટીએમ ફ્રોડ રોકવા પડશે. એટીએમ ફ્રોડ રાત્રે 11 કલાકથી સવારે 6ની વચ્ચે વધારે થાય છે. અન્ય બેંક પણ કેનેરા બેંકને ફોલો કરી શકે છે અને એટીએમમાંથી 10,000 રૂપિયાથી વધારે રોકડ ઉપાડવા પર ઓટીપી ફરજિયાત કરી શકે છે.

આરબીઆઈએ આ મહિના શરૂઆતમાં કહ્યું હતું કે, એવા એટીએમ ટ્રાન્ઝેક્શન જે હાર્ડવેર, સોફ્ટવેર, કોમ્યુનિકેશન ઈશ્યૂ જેવી ટેકનીકલી કારણો અથવા એટીએમમાં નોટ ન હોવાને કારણે અથવા ખોટો પિન નંબર નાંખવાને કારણે ફેલ થાય તો તેને ગ્રાહકા માટે માન્ય નહીં ગણાય. માટે બેંક તેના પર કોઈ ચાર્જ નહીં લઈ શકે.