કોરોના મહામારીના કારણે ઘણી કંપનીઓએ તેમના કર્મચારીઓને 'વર્ક ફ્રોમ હોમ'નો વિકલ્પ આપ્યો હતો. પરંતુ જેમ જેમ કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે તેમ તેમ કંપનીઓએ તેમના તમામ કર્મચારીઓને ઓફિસમાં આવીને કામ કરવા કહ્યું છે. કર્મચારીઓને ઓફિસમાં બોલાવવા WhiteHat Jr કંપનીને ભારે પડી ગયું છે. એક અહેવાલ મુજબ આ કંપનીમાં વર્ક ફ્રોમ હોમ ખત્મ થવાના કારણે લગભગ 800 કર્મચારીઓએ રાજીનામું આપ્યું છે.
કંપનીએ તેના કર્મચારીઓને ગુડગાંવ અને મુંબઈમાં તેની ઓફિસમાંથી રિપોર્ટિંગ ફરીથી શરૂ કરવા કહ્યું છે જેના વિરોધમાં WhiteHat Jrના કર્મચારીઓએ એકસાથે રાજીનામા આપવાનું શરૂ કરી દીધું છે. WhiteHat Jrના પ્રવક્તાએ બિઝનેસ ટુડેને જણાવ્યું હતું કે તેમની બેક-ટુ-વર્ક ડ્રાઇવમાંથી કર્મચારીઓ બહાર નીકળી શકે છે. અમારી બેક-ટુ-વર્ક ડ્રાઇવના ભાગ રૂપે અમારા મોટાભાગના સેલ્સ એન્ડ સપોર્ટ કર્મચારીઓને 18 એપ્રિલથી ગુડગાંવ અને મુંબઈની ઑફિસમાં રિપોર્ટ કરવાનું કહેવામાં આવ્યું હતું. અમારા શિક્ષકો ઘરેથી કામ કરવાનું ચાલુ રાખી શકશે.
કર્મચારીઓએ કંપની પર લગાવ્યા અનેક આરોપ
એક અહેવાલ અનુસાર, રાજીનામું આપનારા કર્મચારીઓનો આરોપ છે કે તેમના માટે એક મહિનામાં ઓફિસમાંથી કામ કરવું સરળ નહોતું. કર્મચારીઓએ તેની પાછળ પારિવારિક સમસ્યાઓ જણાવી હતી અને કહ્યું હતું કે આટલા ઓછા નોટિસ પર પાછા ઓફિસમાં બોલાવવા યોગ્ય નથી.
કંપનીના સૂત્રોએ બાકી ચૂકવણી ન કરવાના આરોપોને પણ ફગાવી દીધા હતા. જો કે, તાજેતરમાં કંપનીમાંથી બહાર નીકળેલા કર્મચારીઓએ ઓછા વેતન અંગેનો મુદ્દો ઉઠાવ્યો છે. WhiteHat Jrએ દાવો કર્યો હતો કે તેમના કર્મચારીઓને તેમના રી-લોકેશનને સરળ બનાવવા માટે તમામ પ્રકારની મદદ કરવાનો પ્રયાસ કર્યો છે. કંપનીના કર્મચારીઓને જોઇનિંગ લોકેશન અને રી-લોકેશનની યોગ્ય જાણકારી આપી નહોતી.
આ અગાઉ એડ-ટેક કંપનીઓ, Unacademy, વેદાંતુએ પણ સેંકટો કર્મચારીઓની છટણી કરી હતી. તાજેતરમાં જ મીશો, ટ્રેલ, ફુરલેન્કો, ઓકે ક્રેડિટ અને લીડો લર્નિગ સહિત અનેક કંપનીઓએ કર્મચારીઓને કાઢી મુકવાની જાહેરાત કરી હતી.