નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેસ (સીબીડીટી)એ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની ડેડલાઇન વધારી દીધી છે. રિપોર્ટ અનુસાર, હવે કોઇ પણ વ્યક્તિ 31 ડિસેમ્બર 2019 સુધી પાન કાર્ડને પોતાના આધાર સાથે લિંક કરી શકશે. આ અગાઉ પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની ડેડલાઇન 30 સપ્ટેમ્બર સુધી હતી.


નાણામંત્રાલયના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે આ સંબંધમાં એક નોટિસ જાહેર કરી છે. પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની ડેડલાઇન સાતમી વખત વધારવામાં આવી છે. સરકારને લાગ્યું કે, આ અગાઉ બે વખત વધારવામાં આવેલી ડેડલાઇન્સમાં લોકો પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શક્યા નહોતા. જ્યારથી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે ત્યારથી આધાર કાર્ડ લિંક વિનાના પાન કાર્ડને યોગ્ય માનવામાં આવી રહ્યું નથી. એવામાં લોકોએ  પોતાના પાન કાર્ડને આધાર સાથે લિંક કરવું જરૂરી છે. જેણે તાજેતરમાં પાન કાર્ડ બનાવ્યું છે અથવા તો જે આધાર લિંક કરી શક્યા નથી તેમના માટે સારા સમાચાર છે.

નોંધનીય છે કે જૂન મહિનામાં જે તસવીર સામે આવી હતી તે અનુસાર કુલ 44.57 કરોડ પાન કાર્ડ ધારકોમાંથી 24.90 કરોડ લોકોએ પોતાના પાન કાર્ડ આધાર સાથે લિંક કરાવ્યા હતા. એટલે કે અડધા લોકોએ હજુ સુધી પોતાના પાન કાર્ડને આધાર સાથે લિંક કરાવ્યું નથી. આધાર અને પાન કાર્ડને લિંક કરવાની યોજના પાછળ સૌથી મોટું કારણ ડુપ્લીકેટ પાન અને ફ્રોડને રોકવા માટેનું છે.