નવી દિલ્હી: શનિવારે સતત 21માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં આજે પેટ્રોલ 25 પૈસા અને ડીઝલમાં 21 પૈસાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા 21 દિવસમાં ડીઝલમાં 11 રૂપિયા અને પેટ્રોલમાં 9.12 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 80.38 રૂપિયા અને ડીઝલની કિંમત 80.40 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગઈ છે. છેલ્લા ત્રણ દિવસથી દિલ્હીમાં ડીઝલનો ભાવ પેટ્રોલ કરતા વધારે છે.



ઉલ્લેખનીય છે કે દેશમાં એવું પ્રથમ વખત થયું છે કે ડીઝલના ભાવ પેટ્રોલ કરતા વધુ છે. આવું માત્ર દિલ્હીમાં જ થયું છે, દેશના અન્ય રાજ્યોમાં ડીઝલની કિંમત પેટ્રોલ કરતા વધારે નથી. દિલ્હીમાં ડીઝલના ભાવમાં વધારો થવાનું મુખ્ય કારણ વેટ છે. દિલ્હી સરકારે લોકડાઉન દરમિયાન ડીઝલ પર વેટના ભાવમાં વધારો કર્યો હતો.

ઓઇલ કંપનીઓ દ્વારા સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એકસમાન ફેરફાર કરવામાં આવે છે પણ દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ પરનો વેટ અલગ અલગ હોવાથી દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ-અલગ હોય છે.