નવી દિલ્હીઃ દેશમાં સતત 10મા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. આજે પેટ્રોલના ભાવમાં 34 પૈસા અને ડીઝલના ભાવમાં 32 પૈસાનો વધારો થયો છે. જે બાદ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 89.88 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 80.27 રૂપિયા પ્રતિ લીટર પહોંચ્યો છે. રાજસ્થાનના શ્રીનગરમાં પેટ્રોલનો ભાવ વધીને ૧૦૦ રૂપિયાને પાર થઈ ગયો થયો છે.


દેશમાં સતત વધતી પેટ્રોલની કિંમતને કારણે પાડોશી દેશ પાકિસ્તાન કરતાં આપણે ઘણાં આગળ નીકળી ગયા છે. પાકિસ્તાનમાં ભારતની તુલનામાં અડધી કિંમતમાં પેટ્રોલ મળી રહ્યું છે. અહીંના ગ્રાહકોને એક લિટર પેટ્રોલ માટે માત્ર 51.14 રૂપિયા ચૂકવવા પડે છે. જ્યારે ચીનમાં પેટ્રોલની કિંમત 74.74 રૂપિયા પ્રતિ લિટર છે.

ક્યાં મળે છે સૌથી સસ્તું પેટ્રોલ

એક બાજુ ભારતમાં પેટ્રોલના ભાવ રેકોર્ડ સપાટી પર છે ત્યારે કેટલાક દેશ એવા પણ છે જ્યાં પેટ્રોલની કંમત એટલી ઓછી છે કે તમને જાણીને આંચકો લાગશે. વેનેઝુએલામાં પેટ્રોલની કિંમત 1.45 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે ઇરાનમાં 4.5 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ મળે છે. તેની સાથે જ અંગોલામાં 17.82 રૂપિયા પ્રતિ લિટર, અલ્જીરિયામાં 25.15 રૂપિયા પ્રતિ લિટર અને કુવૈતમાં 25.26 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલની કિંમત છે.

ભારતના પાડોશી દેશોમાં પેટ્રોલની કિંમત

ભારતના પાડોશી દેશની વાત કરીએ તો ભુટાનમાં 49.56 રૂપિયા પ્રતિ લિટર, પાકિસ્તાનમાં 51.14 રૂપિયા પ્રતિ લિટર, શ્રીલંકામાં 60.26 રૂપિયા પ્રતિ લિટર, નેપાળમાં 68.98 રૂપિયા પ્રતિ લિટર, બાંગ્લાદેશમાં 76.41 રૂપિયા પ્રતિ લિટરની કિંમતે પેટ્રોલ વેચાય છે. હાલમાં ભારતની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 89.54 રૂપિયા પ્રતિ લિટર છે.