નવી દિલ્હીઃ દુનિયાના સૌથી પાવરફૂલ દેશ અમેરિકા અને ઈરાનની વચ્ચે તણાવ દિવસેને દિવસે વધી રહ્યો છે. તેનું કારણ ઈરાન દ્વારા અમેરિકન સેનાનું એક ડ્રોન તોડી પાડવું છે. આ ઘટના બાદ બન્ને દેશોની વચ્ચે યુદ્ધની આશંકા વધી ગઈ છે. બન્ને દેશોની વચ્ચેના આ તણાવની અસર વિશ્વ પર પણ પડશે અને એ વાતનો અંદાજ તેના પરથી જ લગાવી શકાય છે કે ડ્રોન તોડ્યાના થોડા જ સમયમાં ક્રૂડની કિંમત 5 ટકા ઉછળી હતી જે જાન્યુઆરી બાદ સૌથી વધારે છે.




નિષ્ણાંતો અનુસાર, જો અમેરિકા અને ઈરાન વચ્ચે જંગ થઈ તો, વૈશ્વિક બજારમાં ક્રૂડની કિંમત 90 ડોલર પ્રતિ બેરલ પહોંચી શકે છે, જે હાલ 65 ડોલર પ્રતિ બેરલ છે. ભારતમાં તેની અસર પેટ્રોલ પર જોવા મળશે. અને એક લીટર પેટ્રોલની કિંમત વધીને 100 રૂપિયા પ્રતિ લીટર થઈ શકે છે.



ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારથી ઈરાન પર નવા પ્રતિબંધ લગાવી શકે છે. ટ્રમ્પે કહ્યું કે, અમે ઈરાનને પરમાણુ હથિયાર વિકસીત નહીં કરવા દઈએ. અમેરિકાએ ઈરાનના મિસાઈલ કન્ટ્રોલ સિસ્ટમ અને જાસૂસી નેટવર્ક પર કેટલીએ વખત સાઈબર હુમલા કર્યા.