PIB Fact Check: કેન્દ્ર સરકાર લોકોના હિતોને ધ્યાનમાં રાખીને ઘણી કલ્યાણકારી યોજનાઓ લાગુ કરે છે. આ યોજનાઓમાં મહિલાઓ, બાળકો અને પછાત વર્ગના લોકોને ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે. તે જ સમયે, ઘણી યોજનાઓમાં, યુવાનો અને ઉદ્યોગસાહસિકો માટે સબસિડી અને ભથ્થાની યોજના છે. સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકારની 'પ્રધાનમંત્રી જ્ઞાનવીર યોજના'માં નોંધણી કરાવવા પર યુવાનોને દર મહિને 3,400 રૂપિયા આપવામાં આવશે. આવો જાણીએ શું છે આ વાયરલ મેસેજનું સત્ય.
શું છે વાયરલ મેસેજ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર યુવાનોને દર મહિને 3,400 રૂપિયાની સહાય આપી રહી છે. આ માટે તેમના માટે પ્રધાનમંત્રી જ્ઞાનવીર યોજનામાં નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. મેસેજ કરનારે એવો પણ દાવો કર્યો છે કે તેને આ સ્કીમ હેઠળ 3,400 રૂપિયા મળ્યા છે.
આ સંદેશ કેટલો સાચો છે
સરકારી એજન્સી PIBએ આ વાયરલ મેસેજની હકીકત તપાસી. PIB ફેક્ટચેકમાં (PIB Fact Check) આ મેસેજ સંપૂર્ણ રીતે ફેક હોવાનું જણાવવામાં આવ્યું છે. PIB FactCheck દાવો કરે છે કે આ મેસેજ સંપૂર્ણપણે નકલી છે. પીઆઈબીએ કહ્યું કે આવા કોઈ મેસેજની આડમાં તમારી કોઈપણ માહિતી શેર કરશો નહીં.
લલચાણી જાહેરાત, ઓફર આપતા મેસેજથી બચો
પીઆઈબીએ જણાવ્યું કે લોકોને છેતરવા માટે તેઓ સરકારી સ્કીમ જેવા જ નામો સાથે આવી નકલી સ્કીમ ચલાવે છે, જેમાં ઘણીવાર લોકો છેતરાઈ જાય છે. આ લોકો સરકારી નોકરીના નામે નકલી લિંક્સ શેર કરે છે, જેના પર ક્લિક કરવાથી તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ જાય છે.