નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં 1700થી વધારે લોકો તેનાથી સંક્રમિત થઈ ચુક્યા છે અને 38 લોકોના મોત થયા છે, જ્યારે 151 લોકો સાજા થઈ ગયા છે. કોરોના વાયરસ સામે લડવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના PM-CARES ફંડ દ્વારા લોકો મોટી સંખ્યામાં દાન આપી રહ્યા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે પણ તેમાં 500 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના આ પગલા માટે મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો આભાર માન્યો છે.


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ટ્વિટ કર્યુ છે, જેમાં લખ્યું કે, “સમગ્ર રિલાયન્સ ટીમ COVID-19 સામે લડાઈમાં પ્રભાવશાળી રીતે તેમનું યોગદાન આપી રહી છે. હેલ્થકેયર હોય કે લોકોની મદદ કરવાની હોય આ લોકો પૂરી રીતે સક્રિય છે. હું મુકેશ અને નીતા અંબાણીને PM-CARES ફંડમાં સહયોહ કરવા અને કોરોના વાયરસના હરાવવા માટે તેમના દ્વારા કરવામાં આવી રહેલા કાર્યો બદલ આભાર વ્યક્ત કરુ છું.”

જે બાદ રિલાયન્સ ફાઉન્ડેશને પણ પીએમ મોદીના આ ટ્વિટનો ઉલ્લેખ કરી કરીને ધન્યવાદના પ્રતીકનું ટ્વિટ કર્યુ છે. આ ટ્વિટમાં રિલાયન્સ ફાઉન્ડેશને લખ્યું કે, પરમ આદરણીય પ્રધાનમંત્રીજી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશનના લોકો તમારા દ્વારા અમારી પર મૂકેલા વિશ્વાસ માટે કૃતજ્ઞતા અનુભવી રહ્યા છીએ. આ સંકટના સમયમાં અમે તમારી અને સમગ્ર દેશ સાથે ઉભા છીએ તથા વધુને વધુ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. તમારી ઉચ્ચ સ્તરની રાજનીતિ 130 કરોડ ભારતીયોને કોવિડ-19 સામે વિજય પ્રાપ્ત કરવા સામૂહિક રીતે પ્રેરિત કરે છે અને દુનિયા માટે ઉદાહરણ રજૂ કરે છે.જય હિંદ !

Reliance Industries એ 30 માર્ચના રોજ પીએમ-કેયર્સ ફંડમાં 500 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત કંપનીએ 5-5 કરોડ રૂપિયા મહારાષ્ટ્ર અને ગુજરાત મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવાની જાહેરાત કરી હતી. તેની સાથે જ 5 લાખ લોકોને 10 દિવસ સુધી ભોજન ઉપલબ્ધ કરાવવાની વાત કહી હતી.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણે મદદનો હાથ લંબાવતી વખતે કહ્યું હતું કે, અમને વિશ્વાસ છે કે ભારત કોરોના વાયરસ સામે જલદી વિજય મેળવી લેશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની પૂરી ટીમ સંકટના આ સમયમાં દેશની સાથે છે અને કોવિડ-19 સામેની લડાઈમાં જીતવા માટે બધુ જ કરશે.

રિલાયન્સ ફાઉન્ડેશનના સંસ્થાપક ચેરપર્સન નીતા અંબાણીએ કહ્યું હતું કે,  જેવી રીતે સમગ્ર દેશ કોવિડ-19 મહામારી સામે લડવા એકજૂથ છે તેવી જ રીતે રિલાયન્સ ફાઉન્ડેશન દેશવાસીઓ અને મહિલાઓ સાથે મજબૂતીથી ઉભું છે.