નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો ઈન્ફોકોમ કમાણીના મામલે હવે દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની બની ગઈ છે. રેવન્યૂ માર્કેટ શેર(RMS)માં જિયોએ વોડફાન ઈન્ડિયાને પાછળ રાખીને બીજું સ્થાન મેળવ્યું છે. જિયોથી આગળ એટલે કે નંબર 1 પર માત્ર એરટેલ જ છે.
રિલાયન્સ જિયો શરૂઆતથી જ ગ્રાહકો માટે સસ્તાં અને સારા પ્લાન રજૂ કરી રહી છે. જેના કારણે તેની સતત લોકપ્રિયતા વધી રહી છે. લોન્ચિંગ બાદથી જિયોએ ઝડપથી મોટી સફળતા મેળવી છે, જેની પાછળ કંપનીની શ્રેષ્ઠ 4G સર્વિસ છે.
રિલાયન્સ જિયોએ જૂન 2018 ત્રિમાસિકમાં 22.4 ટકા રેવન્યૂ શેર હાંસલ કર્યો. માર્ચ ત્રિમાસિકની તુલનામાં જૂન ક્વાર્ટરમાં કંપનીની રેવન્યૂ માર્કેટ શેરમાં 2.53 ટકાનો વધારો થયો હોવાનું ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઇ)ના ફાઇનાન્સિયલ ડેટામાં આપવામાં આવ્યો છે.
અત્યાર સુધી બીજા નંબર પર રહેલી વોડફોનનો આરએમએસ માર્ચ ત્રિમાસિકની તુલનામાં 1.75 ટકા ઘટીને 19.3 ટકા થયો હતો. આ ઉપરાંત આઇડિયા સેલ્યુલરનો આરએમએસ 1.06 ટકા ઘટાડા સાથે 15.4 ટકા રહ્યો હતો. એરટેલના રેવન્યૂ માર્કેટ શેરમાં પણ જૂન ત્રિમાસિકમાં 0.12 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
ટૂંક સમયમાં જ આઇડિયા અને વોડફોનનું મર્જર થવાનું છે. માનવામાં આવી રહ્યું છે કે આ બંને કંપનીઓના મર્જર બાદ દેશની સૌથી મોટી કંપની તરીકે અસ્તિત્વમાં આવશે અને તેમની આરએમએસ 35 ટકા થઈ જશે. જે બાદ એરટેલ નંબર બે અને જિયો નંબર ત્રણ પર પહોંચી જશે.