પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ મામલામાં નીરવ મોદીની બહેન અને સરકારી સાક્ષી પૂર્વીએ બ્રિટનના પોતાના બેન્ક ખાતામાં પડેલા 17.25 કરોડ રૂપિયા ભારત સરકારને મોકલ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે નિવેદન જારી કરી આ જાણકારી આપી છે. 


ઈડીએ એક નિવેદનમાં કહ્યું, ‘‘24 જૂને પૂર્વી મોદીએ ઈડીને જાણ કરી કે તેને લંડન, બ્રિટનમાં તેના નામ પર એક બેંક ખાતાની ખબર પડી છે જે તેના ભાઈ નીરવ મોદીના કહેવા પર ખોલાવવામાં આવ્યું હતું અને આ પૈસા તેના નહોતા.’’



નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘‘પૂર્વી મોદીને સમગ્ર અને યોગ્ય ખુલાસો કરવાની શરતો પર માફીની મંજૂરી આપવામાં આવી હતી, એટલે તેણે બ્રિટનના બેંક ખાતામાંથી 23,16,889.03 અમેરીકી ડોલરની રકમ ભારત સરકારના ઈડીના બેંક ખાતામાં મોકલી આપી છે. ’’


આ પહેલા બ્રિટનની અદાલતથી ભારતના ભાગેડુ હીરા કારોબારી નીરવ મોદીને મોટો ઝટકો લાગ્યો હતો. યૂકે હાઈકોર્ટે 23 જૂને નિરવ મોદીના ભારત પ્રત્યર્પણ વિરુદ્ધ અપીલ કરવાની અરજીને નકારી દીધી હતી. આ રીતે તે પ્રત્યર્પણ રોકવા સંબંધી અપીલના પ્રથમ તબક્કાની લડાઈ હારી ગયો હતો. 


બ્રિટનની ગૃહ મંત્રી પ્રીતિ પટેલે એપ્રિલમાં નીરવ મોદીને ભારત પ્રત્યર્પિત કરવાનો આદેશ આપ્યો હતો, જે છેતરપિંડી અને પૈસાની અવૈદ્ય હેરાફેરીના આરોપોથી ઘેરાયેલો છે. હાઈકોર્ટના જજની સામે નીરવની અપીલ 'દસ્તાવેજી' નિર્ણય કરવા સંબંધિત હતી કે શું તેને ભારતને પ્રત્યર્પિત કરવા સંબંધી ગૃહ મંત્રીના નિર્ણય કે વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ અદાલતના ફેબ્રુઆરીના આદેશ વિરુદ્ધ અપીલનો કોઈ આધાર છે. 


ઉલ્લેખનીય છે કે મેહુલ ચોકસી અને નીરવ મોદી પર કેટલાક બેન્ક ઓફિસરની સાથે મિલીભગત કરી (પીએનબી) ની સાથે કથિત રીતે 13500 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. નીરવ મોદી આ સમયે લંડનની જેલમાં બંધ છે, તો ચોકસી ડોમિનિકાની જેલમાં છે. આ બન્ને વિરુદ્ધ કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈ તપાસ કરી રહી છે અને તેને ભારત પરત લાવવાનો પ્રયાસ જારી છે.