Post Office PPF calculator: જો તમે સુરક્ષિત રોકાણની સાથે ભવિષ્ય માટે એક મોટું ફંડ ઊભું કરવાનું વિચારી રહ્યા છો, તો પોસ્ટ ઓફિસની પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) યોજના તમારા માટે બેસ્ટ વિકલ્પ છે. આ યોજનામાં તમે દર વર્ષે મહત્તમ ₹1.5 લાખનું રોકાણ કરીને સરળતાથી કરોડપતિ બની શકો છો. આ સ્કીમમાં કરવામાં આવતા રોકાણ પર 100% સરકારી ગેરંટી મળે છે, જેથી તમારા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે. આ ઉપરાંત, જબરદસ્ત ટેક્સ બેનિફિટ અને ઉત્તમ ચક્રવૃદ્ધિ વ્યાજને કારણે આ યોજના મધ્યમવર્ગીય રોકાણકારોની પહેલી પસંદ બની રહી છે.
આ સ્કીમના 3 સૌથી મોટા ફાયદા કયા છે?
PPF યોજનાના ત્રણ સૌથી મોટા ફાયદા છે, જેને ફાઇનાન્સની ભાષામાં 'EEE' (Exempt-Exempt-Exempt) કહેવાય છે:
રોકાણ પર ટેક્સ છૂટ: તમે એક વર્ષમાં વધુમાં વધુ ₹1.5 લાખ જમા કરી શકો છો અને તેના પર ઇન્કમ ટેક્સની કલમ 80C હેઠળ ટેક્સમાં પૂરેપૂરી છૂટ મેળવી શકો છો.
વ્યાજ પર કોઈ ટેક્સ નહીં: આ સ્કીમમાં જમા રકમ પર દર વર્ષે જે ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે, તે બિલકુલ ટેક્સ ફ્રી હોય છે.
મેચ્યોરિટી રકમ પણ ફ્રી: ત્રીજો અને સૌથી મોટો ફાયદો એ છે કે જ્યારે યોજના પાકશે (મેચ્યોર થશે), ત્યારે તમારા હાથમાં આવનારી કુલ રકમ પર તમારે એક રૂપિયો પણ ટેક્સ ચૂકવવો પડતો નથી.
7.1% વ્યાજ અને આ છે વધુ ફાયદો લેવાની 'ટ્રિક'
હાલમાં સરકાર દ્વારા PPF યોજના પર 7.1 ટકાના આકર્ષક દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે. જો તમે આ વ્યાજનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવા માંગતા હોવ, તો દર મહિનાની 1 થી 5 તારીખની વચ્ચે પૈસા જમા કરાવી દેવા. આવું એટલા માટે કારણ કે, વ્યાજની ગણતરી મહિનાની 5 તારીખથી લઈને મહિનાના છેલ્લા દિવસ વચ્ચે ખાતામાં રહેલી ઓછામાં ઓછી રકમના આધારે થાય છે. જો તમે 5 તારીખ પહેલા રોકાણ કરી દો છો, તો તમને એ જ મહિનાથી વ્યાજનો લાભ મળવાનું શરૂ થઈ જાય છે.
25 વર્ષમાં કરોડપતિ કેવી રીતે બનશો? સમજો આખી ગણતરી
સામાન્ય રીતે PPF યોજનાનો મેચ્યોરિટી સમયગાળો 15 વર્ષનો હોય છે. પરંતુ, કરોડપતિ બનવા માટે તમારે એક ખાસ સુવિધાનો લાભ લેવો પડશે. તમે 15 વર્ષ પૂરા થયા બાદ આ ખાતાને 5-5 વર્ષના બ્લોકમાં આગળ લંબાવી શકો છો (એક્સટેન્ડ કરી શકો છો).
જો તમે ખાતાને બે વખત 5-5 વર્ષ માટે લંબાવો છો (એટલે કે કુલ 25 વર્ષ માટે રોકાણ ચાલુ રાખો છો), તો ગણતરી આ મુજબ થશે:
દર વર્ષે રોકાણ: ₹1.5 લાખ
25 વર્ષમાં તમારું કુલ રોકાણ: ₹37.50 લાખ
7.1% લેખે 25 વર્ષનું કુલ વ્યાજ: ₹65.58 લાખ
25 વર્ષના અંતે કુલ ફંડ: ₹1.03 કરોડ
આમ, 25 વર્ષ સુધી શિસ્તબદ્ધ રીતે દર વર્ષે ₹1.5 લાખ જમા કરીને તમે 1 કરોડ રૂપિયાથી વધુનું જંગી ફંડ સરળતાથી ભેગું કરી શકો છો.
