Pradhan Mantri Ujjwala Yojana: કેન્દ્રની NDA સરકારે 'પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના' (PMUY) ના નિયમોમાં એક મોટો ફેરફાર કર્યો છે, જેની સીધી અસર દેશના 10 કરોડથી વધુ મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો પર પડશે. નવા નિયમ મુજબ, હવે ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓને એક વર્ષમાં સબસિડીવાળા માત્ર 4 જ LPG ગેસ સિલિન્ડર મળશે. અગાઉ આ મર્યાદા 9 સિલિન્ડરની હતી. આનો સીધો અર્થ એ થયો કે, 4 સિલિન્ડર પૂરા થયા બાદ જો કોઈ પરિવાર વધુ સિલિન્ડર લેશે, તો તેમને એના પર વધારાની સબસિડીનો લાભ નહીં મળે.
સરકારે આ મોટો નિર્ણય કેમ લીધો?
સમાચાર એજન્સી PTIના અહેવાલ મુજબ, સોમવારે એક સરકારી અધિકારીએ આ નિર્ણય પાછળનું કારણ આપતા જણાવ્યું હતું કે આ ફેરફાર લોકોના 'સરેરાશ વપરાશ'ને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.
નિયમનો ઇતિહાસ: 2016માં જ્યારે આ યોજના શરૂ થઈ ત્યારે દર વર્ષે સબસિડીવાળા 12 સિલિન્ડર (14.2 કિલોના) મળતા હતા. ગયા વર્ષે આ મર્યાદા ઘટાડીને 9 કરવામાં આવી હતી, અને હવે તેમાં વધુ કાપ મૂકીને મર્યાદા માત્ર 4 સિલિન્ડરની કરી દેવામાં આવી છે.
સરેરાશ વપરાશનો તર્ક: પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના અધિક સચિવ પ્રવીણ માલ ખાનુજાના જણાવ્યા મુજબ, મોટાભાગના ઉજ્જવલા લાભાર્થીઓનું સરેરાશ વાર્ષિક વપરાશ 4 સિલિન્ડરની આસપાસ જ હોય છે. સરકારનો હેતુ લોકોની વાસ્તવિક જરૂરિયાત મુજબ જ મદદ પૂરી પાડવાનો છે.
આ પણ વાંચોઃ LPG Price Cut: શું હવે એલપીજી ગેસના ભાવ ઘટશે? ભારત અને અમેરિકા વચ્ચે થઈ ઐતિહાસિક ડીલ, જાણો વિગત
સબસિડીનું ગણિત: કેટલામાં પડે છે સિલિન્ડર?
સરકારે મે 2022માં ઉજ્જવલા યોજના હેઠળ પ્રતિ સિલિન્ડર ₹200 ની સબસિડી શરૂ કરી હતી, જેને ઓક્ટોબર 2023માં વધારીને ₹300 કરી દેવાઈ છે. આ સબસિડી સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય છે.હાલમાં બે વાર ભાવ વધ્યા પછી દિલ્હીમાં 14.2 કિલોના સામાન્ય સિલિન્ડરનો ભાવ ₹942 થઈ ગયો છે. પરંતુ, ₹300 ની સબસિડી બાદ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને આ સિલિન્ડર આશરે ₹642 માં પડે છે.
અધિકારીઓએ જણાવ્યું કે 2022 થી લઈને અત્યાર સુધીમાં સરકારે આશરે ₹52,000 કરોડ રૂપિયા માત્ર સબસિડી પેટે જ આપ્યા છે.
આ પણ વાંચોઃ ગૃહિણીઓનું બજેટ ખોરવાશેઃ પેટ્રોલ અને ડીઝલ બાદ હવે એલપીજી ગેસ પણ મોંઘો, સરકારે ભાવમાં ₹50નો વધારો કર્યો
"દુનિયાની સરખામણીમાં ભારતમાં ગેસ હજુ સસ્તો છે"
ગેસ મંત્રાલયના અધિક સચિવ પ્રવીણ ખાનુજાએ એક મોટી વાત કહેતા જણાવ્યું કે, ભલે તાજેતરમાં LPG ના ભાવ વધ્યા હોય, છતાં દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં ગેસના ભાવ હજુ પણ ઓછા છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને કટોકટીના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ અને LPG ના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજાર મોંઘુ હોવા છતાં દેશમાં ભાવ નિયંત્રણમાં રાખવાને કારણે અત્યારે પેટ્રોલિયમ કંપનીઓને દરેક સિલિન્ડરના વેચાણ પર લગભગ ₹700 જેટલું મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે.
