મધ્યમ વર્ગના પરિવારોમાં નાની-નાની બચત કરવાનું ચલણ હોય છે. વિવિધ બચત યોજનામાં મહિને-વર્ષે અમુક રકમ જમા કરાવાની હોય છે જે પાકતી મુદતે લાખો રુપિયા થઈને રોકાણકારને મળતા હોય છે. આજે તમને એવી જ એક બચત સ્કિમ વિશે જણાવીશું જેમાં નાની રકમનું રોકાણ કરવાનું હોય છે પણ પાકતી મુદતે લાખો રુપિયાનું રિટર્ન મળે છે.
પોસ્ટ ઓફિસની બચત યોજનાઃ
ભારતીય પોસ્ટ ઓફિસની લઘુ બચત યોજના (Post office small Saving Schemes) સમાન્ય માણસ માટે લાંબા ગાળે મોટો સહારો બને છે. એવી જ એક સ્કીમ છે પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ. હાલના સમયમાં આ સ્કીમમાં તમને 5.8 ટકાનું ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે અને તમે આ સ્કિમમાં મહિને 100 રુપિયા ભરીને બચત કરવાનું શરુ કરી શકો છો.
આ રીતે મળશે પાકતી મુદતે 16 લાખઃ
પોસ્ટ ઓફિસ સ્કિમમાં તમે રોજના 333 રુપિયા એટલે કે, મહિનાના 10 હજાર રુપિયા જમા કરો છો તો એક વર્ષમાં તમારી કુલ બચત 1.20 લાખ થશે. આ ખાતું 10 વર્ષ ચલાવશો તો તમારી કુલ બચત 12 લાખ રુપિયા થઈ જશે. આ રકમ પર 10 વર્ષમાં તમને કુલ 4,26,476 રુપિયા વ્યાજ મળશે. આ રીતે પાકતી મુદતે 16 લાખ રુપિયાથી વધુની રકમ મળશે. રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટની પાકતી મુદત 5 વર્ષની હોય છે. પરંતુ જો તમારે વધુ 5 વર્ષ માટે આ બચત ખાતું ચાલુ રખાવવું હોય તો રખાવી શકો છો.
રિકરિંગમાં રોકાણનું કોઈ જોખમ નથીઃ
પોસ્ટ ઓફિસની લગભગ બધી બચત સ્કિમ જોખમથી મુક્ત હોય છે. રિકરિંગ ડિપોઝિટ સ્કિમમાં પણ કોઈ જોખમ નથી. પરંતુ આ સ્કિમમાં એક મહત્વની વાત તમે નોંધી લો કે, જો તમે આ બચત ખાતાનો હપ્તો ભરવાનું ભુલી ગયા તો તમારે પ્રતિ મહિને 1 ટકાનો દંડ ભરવો પડે છે. સાથે જ જો તમે સતત 4 હપ્તા ભરવાનું ભુલી જશો તો તમારું બચત ખાતું બંધ પણ થઈ શકે છે. જો કે તમે બચત ખાતું બે મહિનામાં ફરીથી ચાલુ કરાવી શકો છો.