નવી દિલ્હીઃ ગોવામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલના વેટમાં વધારો કર્યો છે, જેના કારણે કિંમતમાં વધારો થયો છે. શુક્રવારે અપર નાણાં સેક્રેટરી સુષમા કરાતે એક નોટિફિકેશન જારી કર્યું અને કહ્યું કે, રાજ્ય સરકારે પેટ્રોલ પર હવે વેટ દર 15 ટકાથી વધારીને 20 ટકા કર્યા છે. જ્યારે ડીઝલ પર આ દર 15ના બદલે હવે 18 ટકા રહેશે.



ઓલ ગોવા પેટ્રોલ ડીલર્સ એસોસિએસનના અધ્યક્ષ પરેશ જોશીએ કહ્યું કે, પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ક્રમશઃ પ્રતિ લિટર 2.7 રૂપિઆ અને 1.43 રૂપિયાનો વધારો થયો છે. તેમણે કહ્યું, શુક્રવારે પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 63.74 રૂપિયા અને ડીઝલની કિંમત 63.04 રૂપિયા હતી.



જોકે છેલ્લા થોડા ઘણાં દિવસોથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત ઘટીને પાંચ મહિનાની નીચલી સપાટીએ આવી ગઈ છે. ઓઈલ કંપનીઓએ આજે જ પેટ્રોલ પર 19 પૈસા અને ડીઝલ પર 24 પૈસા પ્રતિ લિટર ઘટાડો કર્યો છે. આજે દિલ્હીમાં પેટ્રોલ 69.99 રૂપિયા અને ડીઝલ 63.93 રૂપિયા છે.