નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે યુપી, એમપી અને બિહાર સહિત દેશભરમાં 44 સ્થળો પર દરોડા પાડ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આ દરોડા ચીનની મોબાઈલ કંપની વીવો અને તેની સંબંધિત કંપનીઓ પર મની લોન્ડરિંગના મામલામાં પાડવામાં આવ્યા છે. આ કેસમાં સીબીઆઈ પહેલાથી જ તપાસ કરી રહી છે.






તમને જણાવી દઈએ કે ચીનની મોબાઈલ કંપનીઓ ભારતમાં આઈટી અને ઈડીના રડાર પર છે. અગાઉ, તપાસ એજન્સીએ FEMA હેઠળ Xiaomiની સંપત્તિ જપ્ત કરી હતી. જો કે કર્ણાટક હાઈકોર્ટે તેના પર સ્ટે આપ્યો હતો.


ઈડીએ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આ દરોડા પાડ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તપાસ એજન્સી Vivo અને તેની સાથે જોડાયેલી કંપનીના 44 સ્થળો પર દરોડા પાડી રહી છે.


ગત ડિસેમ્બરમાં આવકવેરા વિભાગે Vivo અને અન્ય ચાઈનીઝ મોબાઈલ ફોન બનાવતી કંપનીઓના પરિસરમાં દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગે આરોપ લગાવ્યો હતો કે 500 કરોડથી વધુની આવક ખોટી રીતે જાહેર કરવામાં આવી છે. રોયલ્ટીના નામે પૈસાની ઉચાપત કરવામાં આવી રહી હોવાનો આરોપ છે.


તમને જણાવી દઈએ કે, EDએ FEMA કેસમાં Xiaomiના પૂર્વ ઈન્ડિયા ચીફ મનુ જૈનની પણ પૂછપરછ કરી હતી. ત્યારપછી EDએ Xiaomiના રૂ. 5000 કરોડના બેંક ખાતાઓ જપ્ત કર્યા હતા. કર્ણાટક હાઈકોર્ટે આ આદેશ પર સ્ટે આપ્યો હતો. Xiaomiએ દાવો કર્યો કે EDએ તેના ટોચના અધિકારીઓને દબાણ કર્યું. જોકે, તપાસ એજન્સીએ આરોપોને નકારી કાઢ્યા હતા.