પેટ્રોલ અને ડીઝલ, રાંધણગેસની કિંમતમાં વધાર્યા બાદ હવે આમ આદમીને રેલવેએ પણ ઝાટકો આપ્યો છે. રેલવેએ પણ પ્લેટફોર્મ ટિકિટ અને લોકલ ટ્રેનના ભાડામાં વધારો કર્યો છે. જાણકારી અનુસાર રેલવેએ પ્લેટફોર્મ ટિકિટની કિંમતમાં ત્રણ ગણો વધારો કર્યો છે.


નોંધનીય છે કે, આ પહેલા એક પ્લેટફોર્મ ટિકિટ માટે 10 રૂપિયા આપવા પડતા હતા પરંતુ ત્રણ ગણી કિંમત વધાર્યા બાદ હવે 30 રૂપિયા આપવા પડશે. કોરોના કાલમાં લોકડાઉન બાદથી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ થઈ ગયું હતું પરંતુ આજથી દિલ્હીના તમામ મુખ્ય રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટ મળવાની શરૂ થઈ ઈ છે. જ્યારે દેશના અન્ય કેટલાક શહેરોમાં પેલ્ટફોર્મ ટિકિટની કિંમત 50 રૂપિયા રાખવામાં આવી છે.

મુંબઈમાં 10 રૂપિયાની ટિકિટના 50 રૂપિયા કરવામાં આવ્યા

આ પહેલા મુંબઈમાં મધ્ય રેલવેએ કોવિડ 19 મહામારીને ધ્યાનમાં રાકીને ગરમીની સીઝનમાં પ્લેટફોર્મ પર વધારે ભીડ ભેગી ન થાય તેના માટે મુંબઈ મેટ્રોપોલિટન ક્ષેત્રના કેટલાક મહત્ત્વપૂ્ર્ણ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટની કિંમત વધારવામાં આવી છે. મધ્ય રેલવે (સીઆર)ના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવજી સુતારે કહ્યું હતું કે, મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, દાદર અને લોકમાન્ય તિલક ટર્મિનસ તથા નજીકના ઠાણે, કલ્યાણ, પનવેલ અને ભિવંડીમાં પ્લેટફોર્મ ટિકિટ 10 રૂપિયાને બદલે 50 રૂપિયા કરવામાં આવ્યા હતા. નવા દર મુંબઈમાં એક માર્ચથી જ લાગુ થઈ ગયા હતા જે 15 જૂન સુધી લાગુ રહેશે.

રેલવે સ્ટેશન પર વધારે ભીડ ન થાય એટલે આ નિર્ણય કર્યો

ટિકિટની કિંમત ત્રણ ગણી વધારવા પર રેલવેનો તર્ક છે કે કોરોના મહામારીની વચ્ચે સ્ટેશનો પર વધારે ભીડ ભેગી ન થાય તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. રેલવેએ એ પણ કહ્યું કે, આ એક કામચલાઉ નિર્ણય છે જે પ્રવાસીઓના હિતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, પ્લેટફોર્મ ટિકિટની કિંમત વધારવાનો અધિકાર લોકલ ડીઆરએમ પાસે હોય છે. પ્લેટફોર્મ પર ભીડને રોકવા માટે ડીઆરએમ કિંમત વધારે છે અને સ્થિતિ સામાન્ય થવા પર કિંમત ઘટાડી દે છે.