નવી દિલ્હીઃ કોરોના સંકટ વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આજે મોટી જાહેરાત કરી હતી. આર્થિક સંકટના સમયમાં આરબીઆઈએ મ્યુચ્યુઅલ ફંડ સેક્ટરને મોટી મદદ કરી હતી. આરબીઆઈએ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને 50 હજાર કરોડ રૂપિયા સ્પેશિયલ લિક્વિડિટી ફેસિલિટી તરીકે આપ્યા છે. હાલ મ્યુચ્યુઅલ ફંડ સેક્ટર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે.

તાજેતરમાં જાણીતી મ્યુચ્યુઅલ ફંડ કંપનીમાં સામેલ ફ્રેંકલિન ટેંપલને તેની છ સ્કીમ્સને બંધ કરી દીધી હતી. જે બાદ મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો બજારમાં રૂપિયા ઉપાડી લે તેવી હલચલ શરૂ થઈ હતી. માટે રોકાણકારોને ભરોસો અપાવવા અને મ્યુચ્યુઅલ ફંડ સેક્ટરની મદદ માટે આરબીઆઈએ આ પેકેજની જાહેરાત કરી છે.


આરબીઆઈ તરફથી 50 હજાર કરોડ રૂપિયાની જાહેરાત દ્વારા આરબીઆઈ રોકાણકારોને ગભરાશો નહીં તેવો સંકેત આપવા માંગે છે. સરકાર, આરબીઆઈ અને અન્ય સંસ્થાઓ તમામ સેક્ટરને લઈ ચિંતિત છે. માનવામાં આવી રહ્યું છે કે, આરબીઆઈ આગળ પણ આ પ્રકારની જાહેરાત કરી શકે છે.

આ પહેલા પણ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રેપો રેટ ઘટાડીને આમ આદમીને રાહત આપી ચુક્યુ છે. આરબીઆઈ કોરોના વાયરસ મહામારીના કારણે ભારતીય અર્થતંત્રમાં ઉભા થયેા પડકારોને દૂર કરાવવા રાહતના ઉપાયો તરીકે અન્ય જાહેરાત પણ કરી હતી.