RBI Dividend: ગયા મહિને શરૂ થયેલા નવા નાણાકીય વર્ષ સરકારી તિજોરી માટે સારુ સાબિત થઈ શકે છે. આ નાણાકીય વર્ષમાં સરકારી તિજોરીને રિઝર્વ બેન્ક તરફથી રેકોર્ડ પેમેન્ટ મળી શકે છે અને આંકડો 1 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.


યુનિયન બેન્કે રિપોર્ટ જાહેર કર્યો


યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં રિઝર્વ બેન્ક દ્વારા લગભગ 1 લાખ કરોડ રૂપિયા કેન્દ્ર સરકારને ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. આ રેકોર્ડ ટ્રાન્સફર માટે જવાબદાર સૌથી મહત્વપૂર્ણ પરિબળ આરબીઆઈ દ્વારા સરકારને આપવામાં આવેલ ડિવિડન્ડ માનવામાં આવે છે. રિપોર્ટમાં અનુમાન છે કે આ નાણાકીય વર્ષમાં પણ આરબીઆઈની ડિવિડન્ડની ચૂકવણી સારી રહેવાની છે.


કેન્દ્ર સરકારનું અંદાજિત બજેટ


રિઝર્વ બેન્કે ગયા નાણાકીય વર્ષમાં 87 હજાર 400 કરોડ રૂપિયા સરકારી તિજોરીમાં ટ્રાન્સફર કર્યા હતા. ફેબ્રુઆરીમાં રજૂ કરાયેલા બજેટમાં સરકારે નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન રિઝર્વ બેન્ક, સરકારી બેન્કો અને અન્ય સરકારી નાણાકીય સંસ્થાઓ પાસેથી ડિવિડન્ડ તરીકે 1 લાખ 20 હજાર કરોડ રૂપિયા મેળવવાનો અંદાજ મૂક્યો હતો. યુનિયન બેન્કના રિપોર્ટમાં એવું માનવામાં આવે છે કે આ નાણાકીય વર્ષમાં પણ ડિવિડન્ડથી મળેલી રકમ બજેટ અંદાજ કરતાં વધુ હોઈ શકે છે, જેમ કે ગયા નાણાકીય વર્ષમાં હતી.


આટલું ડિવિડન્ડ ગયા વર્ષે આવ્યું હતું


ગયા નાણાકીય વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારને રિઝર્વ બેન્ક, જાહેર ક્ષેત્રની બેન્કો અને અન્ય નાણાકીય સંસ્થાઓ પાસેથી ડિવિડન્ડ તરીકે 1 લાખ 44 હજાર રૂપિયા મળ્યા હતા, જ્યારે બજેટમાં એકંદરે ડિવિડન્ડ માત્ર 48 હજાર કરોડ રૂપિયા હોવાનો અંદાજ હતો. આનો અર્થ એ થયો કે પાછલા નાણાકીય વર્ષ દરમિયાન સરકારની ડિવિડન્ડની કમાણી બજેટ અંદાજ કરતાં બમણી કરતાં વધુ હતી.


વ્યાજમાંથી આટલી કમાણી થવાની અપેક્ષા


રિઝર્વ બેન્કની મુખ્ય આવક વ્યાજ અને વિદેશી હૂંડિયામણમાંથી થાય છે. રિઝર્વ બેન્કની બેલેન્સ શીટના લગભગ 70 ટકા વિદેશી ચલણ સંપત્તિના રૂપમાં છે, જ્યારે 20 ટકા સરકારી બોન્ડના સ્વરૂપમાં છે. રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે આ સિક્યોરિટીઝમાંથી રિઝર્વ બેન્કને વ્યાજની કમાણી 1.5 લાખ કરોડ રૂપિયાથી 1.7 લાખ કરોડ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.