નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે આજે પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે જણાવ્યું કે, મોનિટરી પોલિસી કમિટીએ પોતાની ત્રણ દિવસની બેઠકમાં રેપો રેટ ઘટાડવાનો નિર્ણય કર્યો છે. આ ઘટાડો 0.4 ટકાનો હશે અને આ રીતે રેપો રેટ ઘટીને 4 ટકા પર આવી ગયો છે જે પહેલા 4.4 ટકા હતો.

એમપીસીની બેઠક 3થી 5 જૂનની વચ્ચે મળવાની હતી પરંતુ એ પહાલ જ બેઠક બોલાવવામાં આવી અને 20-22મે દમરિયાન બેઠકમાં મોટાભાગના સભ્યો રેપો રેટ ઘટાડવાના પક્ષમાં હતા. જોકે રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તેને 3.35 ટકા પર જાળવી રાખવામાં આવ્યો છે.

કોરોનાના લોકડાઉન બાદથી આ ત્રીજી વખત આરબીઆઈએ રાહતની જાહેરાત કરી છે. સૌપ્રથમ 27મી માર્ચ અને ત્યારબાદ 17મી એપ્રિલના રોજ RBIએ કેટલાંય પ્રકારની રાહતોની જાહેરાત કરી હતી. જેમાં EMI મોરાટોરિયમ જેવી મોટી જાહેરાત કરાઇ હતી. બીજી વખત RBI એ NABARD, SIDBI અને NHBને 50000 કરોડ રૂપિયાનું રીફાઇનાન્સિંગ કરવાની જોગવાઇ કરી હતી.

લોનનો હપ્તો ચૂકવનાર ગ્રાહકો માટે આરબીઆઈએ કરી ફરી મોટી જાહેરાત, બીજા ત્રણ મહિના સુધી છૂટમાં વધારો કર્યો. એટલે કે 1 જૂન થી 31મી ઓગ્સ્ટ સુધી લોનનો હપ્તો ચૂકવવામાં રાહત મળી. એટલે કે તમે જેટલાં મહિના સુધી લોનનો હપ્તો ચૂકવવામાં રાહત મેળવશો તેટલાં મહિના પાછળ તમારે ભરવાપાત્ર બનતા હપ્તામાં વધારો થશે.

કોરોનાવાઈરસના કારણે અર્થવ્યવસ્થાને નુકસાન થયું છે. એપ્રિલમાં ગ્લોબલ મેન્યુફેકચરિંગ PMI ઘટીને 11 વર્ષના નીચલા સ્તરે પહોંચ્યો હતો. ડબલ્યુટીઓના જણાવ્યા મુજબ, વિશ્વમાં કારોબાર આ વર્ષે 13-32 ટકા સુધી ઘટી શકે છે.

બે મહીનાના લોકડાઉનથી દેશમાં આર્થિક ગતિવિધિઓ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. ઈન્ડસ્ટ્રીવાળા ટોપ-6 રાજ્યોના મોટા ભાગના વિસ્તારો રેડ અને ઓરેન્જ ઝોનમાં છે. આ રાજ્યોની ઈન્ડસ્ટ્રીઓનું આર્થિક ગતિવિધિઓમાં 60 ટકા કન્ટ્રીબ્યુશન હોય છે.

કોરોનાની અસરને જોતા 2020-21ના પ્રથમ છ મહિનામાં GDP ગ્રોથ નેગેટિવ રહેવાનું અનુમાન છે. બીજા છ મહિનામાં કેટલીક તેજી આવી શકે છે.

RBI સતત સ્થિતિ પર નજર રાખી રહી છે. ઈકોનોમિના તમામ સેગમેન્ટ પર અમારી ટીમની નજર છે. ફેબ્રુઆરીમાં અમે કહ્યું હતું કે કોરોનાના કારણે ગ્લોબલ ગ્રોથમાં ઘટાડો આવશે. ત્યારથી RBIએ લિક્વિડિટીના મુદ્દે ઘણા નિર્ણયો કર્યા છે.