નાણાકીય સ્થિતિ બગડવાના કારણે વધુ એક બેંક પર આઈબીઆઈએ લાલ આંખ કરી છે. સેન્ટ્રલ બેંકે ખરાબ થતી સ્થિતિને સુધારવા માટે બેંગલુરુ સ્થિત શુશ્રુતિ સૌહાર્દ સહકારા બેંક નિયમિતા(Shushruti Souharda Sahakara Bank Niyamita)સામે પ્રતિબંધો લાદ્યા છે. હવે આ બેંકના ગ્રાહકો પોતાના ખાતામાંથી 5 હજાર રૂપિયાથી વધુ ઉપાડી શકશે નહીં.


6 મહિના સુધી પ્રતિબંધો લાગુ
આરબીઆઈએ ગુરુવારે એક સ્ટેટમેન્ટમાં  શુશ્રુતિ સૌહાર્દ સહકારા બેંક નિયમિતા સામે પ્રતિબંધો લાદવાના નિર્દેશો આપ્યા હતા. બેંક ગ્રાહકોના ઉપાડ ઉપરાંત સેન્ટ્રલ બેંકે કોઈ લોન ગ્રાન્ટ કરવા કે તેને રિન્યૂ કરવા પર પણ પ્રતિબંધો લાદ્યા છે. રિઝર્વ બેંકે કહ્યું કે, આ બધા પ્રતિબંધો 07 એપ્રિલ 2022નો બિઝનેસ સમાપ્ત થતા જ લાગુ કરવામાં આવશે. બેંકે કહ્યું કે, ડાઈરેક્શન 07 એપ્રિલથી આગામી 6 મહિના માટે લાગુ થશે. 6 મહિના બાદ સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને તે પ્રમાણે આગળનો નિર્ણય લેવામાં આવશે.


આ કામો માટે લેવી પડશે આરબીઆઈની મંજૂરી
રિઝર્વ બેંકના નિવેદન પ્રમાણે, શુશ્રુતિ સૌહાર્દ સહકારા બેંક નિયમિતા હવે સેન્ટ્રલ બેંકની પૂર્વ પરવાનગી વિના ન કોઈ લોન રિન્યૂ કરી શકશે અને ન તો કોઈ નવી લોન આપી શકશે. આ ઉપરાંત કોઈ રોકાણ કરવા,ક્યાયથી ફંડ લેવા,ફ્રેશ ડિપોઝિટ એક્સેષ્ટ કરવા, કોઈ પેમેન્ટ કરવા કે કોઈ પેમેન્ટ કરવાની સહમતી આપવા, કોઈપણ પ્રકારના વેચાણ કે અન્ય પ્રબંધ માટે કોઈ પણ સંપત્તિને વેચતા પહેલા આરબીઆઈની મંજૂરી લેવી પડશે.


હજી બેંકનું લાઈસન્સ કેન્સલ થયું નથી
કેન્દ્રીય બેકના સ્ટેટમેન્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, શુશ્રુતિ સૌહાર્દ સહકારા બેંક નિયમિતામાં સેવિંગ એકાઉન્ટ, કરન્ટ એકાઉન્ટ કે કોઈપણ પ્રકારના અન્ય ડિપોઝિટ રાખનાર કસ્ટમર 5 હજારથી વધુ રુપિયા ઉપાડી શકશે નહીં. આરબીઆઈના ડાઈરેક્શંસ પ્રમાણે 5 હજાર રૂપિયા સુધીનો ઉપાડ કરવાની મંજૂરી આપી શકાય છે. જો કે રિઝર્વ બેંકે એ પણ સ્પષ્ટતા કરી છે કે, તેમના આ પ્રતિબંધનો એ મતલબ ન કાઢી શકાય છે આ બેંકનું લાઈસન્સ રદ કરવામાં આવ્યું છે. પ્રતિબધો સાથે આ બેંક બેકિંગ બિઝનેસમાં ચાલુ રહે છે અને નાણાકીય સ્થિતિમાં સુધારો આવ્યા બાદ તેના પર લાગેલા પ્રતિબંધો દૂર કરવામાં આવશે.