ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતુ કે ટેક્સ પેમેન્ટ માટે યુપીઆઈની મર્યાદા વધારવાનો પ્રસ્તાવ છે. હાલમાં યુપીઆઈ મારફતે 1 લાખ રૂપિયા સુધીની ટેક્સ પેમેન્ટ કરવામાં આવી શકે છે. કેન્દ્રીય બેન્કે તેને વધારીને 5 લાખ રૂપિયા કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે






RBIએ 8મી ઓગસ્ટે એક મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું છે કે ટેક્સ પેમેન્ટ માટે UPIની મર્યાદા વધારવામાં આવશે. હાલમાં આ મર્યાદા 1 લાખ રૂપિયા છે. તેને વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવશે. RBI ગવર્નર શક્તિકાંત દાસે ગુરુવાર, 8 ઓગસ્ટના રોજ સવારે 10 વાગ્યે નાણાકીય નીતિ રજૂ કરી હતી. જેમાં તેમણે ટેક્સ પેમેન્ટ માટે UPIની મર્યાદા વધારવાની જાહેરાત કરી હતી.


UPI દ્વારા ચૂકવણી કરવી સસ્તી છે


આરબીઆઈની આ જાહેરાતથી કરદાતાઓને ઘણો ફાયદો થશે. નિષ્ણાતોનું કહેવું છે કે પેમેન્ટ માટે યુપીઆઈનો ઉપયોગ કરવામાં લોકોની રુચિ વધી છે. આને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ બેન્કે ટેક્સ પેમેન્ટ માટે UPIની મર્યાદા વધારી દીધી છે. નિષ્ણાતોનું કહેવું છે કે UPI દ્વારા પેમેન્ટ કરવા પર કોઈ વધારાનો ચાર્જ લાગતો નથી. તેથી ચુકવણી માટે યુપીઆઈનો ઉપયોગ સસ્તો છે.


UPI પેમેન્ટને આકર્ષક બનાવવાનો પ્રયાસ


UPI થી વિપરીત ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા ટેક્સ ભરવા માટે વધારાના ચાર્જ લાગે છે. કેન્દ્રીય બેન્ક UPI પેમેન્ટને આકર્ષક બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં સેન્ટ્રલ બેન્કે ચોક્કસ પ્રકારની ચુકવણીઓ માટે UPI મર્યાદામાં વધારો કર્યો હતો. તેમાં હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓને ચૂકવણીનો પણ સમાવેશ થાય છે. આ સંસ્થાઓને ચૂકવણી માટે UPI મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી હતી.


અલગ અલગ ટ્રાન્જેક્શન માટે UPI મર્યાદા


હાલમાં UPI દ્વારા સામાન્ય ચુકવણી માટે પ્રતિ ટ્રાન્જેક્શન 1 લાખ રૂપિયાની મર્યાદા છે. કેપિટલ માર્કેટ, કલેક્શન, ઇન્સ્યોરન્સ, ફોરેન ઇનવર્ડ રેમિટન્સ જેવા અમુક પ્રકારના ટ્રાન્જેક્શન માટે UPI દ્વારા ચૂકવણીની મર્યાદા 2 લાખ રૂપિયા છે. IPOમાં અરજી કરવા માટે UPI દ્વારા ચૂકવણીની મર્યાદા 5 લાખ રૂપિયા પ્રતિ ટ્રાન્જેક્શન છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં કેન્દ્રીય બેન્કે ચોક્કસ પ્રકારના ટ્રાન્જેક્શન માટે UPIની મર્યાદામાં વધારો કર્યો હતો. તેમાં હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓને પેમેન્ટ્સનો પણ સમાવેશ થાય છે.