RBI Monetary Policy: ભારતીય રિઝર્વ બેન્કે આજે તેની નાણાકીય નીતિ જાહેર કરી છે અને રેપો રેટ અને અન્ય દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. RBI ગવર્નર શક્તિકાંત દાસે આ અંગેની જાહેરાત કરી હતી. એટલે કે તમારી લોનની EMI પર કોઈ રાહત મળશે નહીં કે તેમાં વધારો થશે નહીં કારણ કે RBIએ દરો પર યથાસ્થિતિ જાળવી રાખી છે.






આરબીઆઇની મોનેટરી પોલિસીમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, તેથી બેન્કોને સમાન દરે લોન મળતી રહેશે. આ સતત ચોથી વખત છે જ્યારે રિઝર્વ બેન્કે તેના પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી.


ત્રણ દિવસની મોનેટરી પોલિસી રિવ્યુ મીટિંગ બાદ RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે કમિટીએ ફરી એકવાર રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. રેપો રેટ હાલમાં 6.5 ટકા છે. જોકે, તેમણે કહ્યું કે હવે સેન્ટ્રલ બેન્ક તેના પર ચાંપતી નજર રાખશે.


રેપો રેટ 6.5 ટકા પર સ્થિર


રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ છેલ્લી ઘણી બેઠકોથી રેપો રેટને 6.5 ટકા પર સ્થિર રાખ્યો છે. નિષ્ણાતો નાણાકીય વર્ષ 2023-24ની પાંચમી બેઠકમાં પણ રેપો રેટ સ્થિર રાખવાની આગાહી કરી રહ્યા હતા. કેટલાક નિષ્ણાતો તો એવું પણ કહે છે કે સેન્ટ્રલ બેન્ક જૂન 2024 સુધી રેપો રેટમાં કોઈ ફેરફાર કરવા જઈ રહી નથી, કારણ કે RBIનો ટાર્ગેટ મોંઘવારી દરને 4 ટકાથી નીચે લાવવાનો છે.


રેપો રેટ ફેબ્રુઆરીથી બદલાયો નથી


રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા તરફથી ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં જેટલી પણ મોનિટરી પોલિસીની બેઠકો યોજાઇ છે તેમાં રેપો રેટમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. રેપો રેટ હાલમાં 6.5 ટકા છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે આરબીઆઈ નાણાકીય વર્ષ 2024-25 પહેલા રેપો રેટમાં ઘટાડો નહીં કરે અને તે અત્યારે સ્થિર રહેશે.