નવી દિલ્હીઃ આરબીઆઈએ આજે વર્ષ 2016ની પાંચમી ક્રેડિટ પોલિસી જાહેર કરતાં રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. તેનો મતલબ એ થયો કે તમારી લોનના હપ્તામાં ઘટાડો થઈ શકે છે.
આ રીતે 0.25 ટકાનો ઘટાડો કરતાં રેપો રેટ 6.25 ટકા થઈ ગયો છે. જે છ વર્ષની સૌથી નીચલી સપાટી છે. જ્યારે રિવર્સ રેપો રેટ ઘટીને 5.75 ટકા થઈ ગયો છે. આરબીઆઈ સીઆરઆરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તેને 4 ટકા પર જાળવી રાખવામાં આવ્યો છે. મોનિટરી પોલિસી કમિટીની હવે પછીની બેઠક 6-7 ડિસેમ્બરે થશે.
મોનિટરી પોલિસી કમિટીના તમામ 6 સભ્યોએ સંપર્ણ સહમતિની સાથે રેટમાં ઘટાડાનો નિર્ણય કર્યો છે. આરબીઆઈને ડિસેમ્બર 2016 સુધી મોંઘવારી દર 5 ટકા રહેવાનો અંદાજ આપ્યો છે. માર્ચ 2017 સુધી મોંઘવારી દર 5.3 ટકા રહેવાનો અંદાજ આપ્યો છે. જ્યારે માર્ચ 2015 સુધી મોંઘવારી દર 4.5 ટકા રહેવાનો અંદાજ આપ્યો છે.
આરબીઆઈએ નાણાંકીય વર્ષ 2017 માટે જીડીપી ગ્રોથ 7.6 ટકા રહેવાનો અંદાજ આપ્યો છે, જ્યારે નાણાંકીય વર્ષ 2018 માટે જીડીપી ગ્રોથ 7.9 ટકા રહેવાનો અંદાજ આપ્યો છે. આરબીઆઈએ નાણાંકીય વર્ષ 2018ના ગ્રોથ અંદાજ જાળવી રાખ્યા છે પરંતુ જોખમ વધી ગયું છે.
આરબીઆઈ અનુસાર ખાવા પીવાની વસ્તુની કિંમતમાં વધારાથી મોંઘવારી વધી છે. સાતમાં પગાર પંચને કારણે ઘરનું ભાડું વધશે. પરંતુ આગળ મોંઘવારી કાબુમાં રહેવાની ધારણા છે. જોકે 4 ટકાના રિટેલ ફુગાનો ટાર્ગેટ મેળવવા માટે સાવચેત રહેવું પડશે. આંતરરાષ્ટ્રીય ગ્રોથમાં ઘટાડાનું જોખમ વધી ગયું છે. ક્રડની કિંમત વધવાથી મોંઘવારી પર દબાણ જોવા મળી શકે છે. ખાવા પીવાની વસ્તુની કિંમતમાં જુલાઈ બાદ રાહત મળવાની ધારણા છે.