RBI Repo Rate Hike : જો તમે મોંઘા EMIથી પરેશાન છો તો તમારા માટે સારા સમાચાર છે. આ વર્ષે ઓગસ્ટ મહિનાથી તમને મોંઘી લોનમાંથી રાહત મળી શકે છે. ધીમી આર્થિક વૃદ્ધિ અને કિંમતોમાં ઘટાડાના કારણે RBI ઓગસ્ટ 2023થી વ્યાજ દરોમાં ઘટાડો કરી શકે છે. વિદેશી બ્રોકરેજ હાઉસ નોમુરા હોલ્ડિંગ્સે તેના ગ્રાહકોને મોકલેલી નોટ્સમાં આ વાતની શક્યતા વ્યક્ત કરી છે.


સોનલ વર્માની આગેવાની હેઠળના નોમુરાના અર્થશાસ્ત્રીઓએ લખ્યું છે કે, વૈશ્વિક પરિબળોને કારણે 2023માં ભારતનો આર્થિક વિકાસ ધીમો પડી શકે છે અને વૃદ્ધિ દર ઘટીને 4.5 ટકા થઈ શકે છે, જેના કારણે 2023ના બીજા છ મહિનામાં ભારતીય રિઝર્વ બેંકને વ્યાજદરમાં ઘટાદો કરવાનો નિર્ણય લેવો પડી શકે છે. રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરી 2023માં રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યા બાદ આરબીઆઈ તેની મોનિટરી પોલિસીમાં કડકાઈની નીતિને લઈને પીછેહટ કરી શકે છે. ગયા વર્ષે પણ નોમુરાએ વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને આરબીઆઈની કડક મોનિટરી પોલિસીની આગાહી કરી હતી, ત્યારબાદ આરબીઆઈએ રેપો રેટ પાંચ વખત 4 ટકાથી વધારીને 6.25 ટકા કર્યો હતો.


નોમુરા ખાતેના અર્થશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, ફુગાવામાં ઉછાળો અને વ્યાજ દરોમાં વધારાને કારણે માંગમાં ઘટાડો થવાને કારણે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતીય અર્થતંત્ર ધીમી પડી હતી અને તે 6.3 ટકાના દરે વૃદ્ધિ પામી હતી. આ અર્થશાસ્ત્રીઓ માને છે કે ભારત સારી સ્થિતિમાં છે પરંતુ નબળી નિકાસ અને ઔદ્યોગિક વૃદ્ધિ રોકાણમાં ઘટાડો કરી શકે છે.


જો કે, નોમુરા પહેલી એવી સંસ્થા છે જેણે 2023 માં રેપો રેટમાં આટલા મોટા ઘટાડાની આગાહી કરી છે. નોમુરાનું માનવું છે કે, આરબીઆઈ તેનો પોલિસી રેટ 6.50 ટકાથી ઘટાડીને 5.75 ટકા કરી શકે છે. ગોલ્ડમેન સૅક્સે ભારત પરના તેના આઉટલૂક રિપોર્ટમાં કહ્યું છે કે, ઑક્ટોબર-ડિસેમ્બર વચ્ચે રેપો રેટમાં 25 બેસિસ પૉઇન્ટનો ઘટાડો થઈ શકે છે.


રાહતની વાત એ છે કે, 12 જાન્યુઆરી, 2023ના રોજ ડિસેમ્બર 2022ના ફુગાવાના દરના આંકડા અનુસાર, છૂટક મોંઘવારી દર ઘટીને 5.72 ટકા પર આવી ગયો છે. ખાદ્ય મોંઘવારી ઘટી છે. ફુગાવાનો દર આરબીઆઈના 2 થી 6 ટકાના સહનશીલતા બેન્ડ પર આવી ગયો છે, જે 7 ટકાથી ઉપર હતો. જે બાદ વ્યાજદરમાં વધારા પર બ્રેક લાગે તેવી અપેક્ષા વધી રહી છે. અને આગામી દિવસોમાં વ્યાજ દર ઘટાડવાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે, જેનાથી મોંઘા EMIમાંથી રાહત મળી શકે છે.