નવી દિલ્હીઃ ફેસ્ટિવ સીઝન દરમિયાન રોકડની વધુ જરૂર હોય છે. એવામાં તમામ મીડિયા રિપોર્ટમાં અહેવાલ આવી રહ્યો છે કે 2000 રૂપિયાની નોટ એટીએમમાંથી ધીરે-ધીરે હટાવવામાં આવી રહી છે. અહેવાલ અનુસાર, જેની શરૂઆત દેશની સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઇએ કરી છે. વાસ્તવમાં છેલ્લા બે-ત્રણ દિવસથી એવા અહેવાલ આવી રહ્યા છે કે આરબીઆઇની નિર્દેશ પર એસબીઆઇના નાના શહેરો અને ગામડાઓમાં આવેલા એટીએમમાં 2000 રૂપિયાની નોટ રાખવાના સ્લોટ હટાવવામાં આવી રહ્યા છે. આ સ્લોટના સ્થાને બેન્ક 100, 200 અને 500 રૂપિયાનો સ્લોટ વધારી રહી છે.


એક રિપોર્ટ અનુસાર, 100 અને 200 રૂપિયાની નાની નોટોને પ્રોત્સાહન આપવા બેંક દ્વારા આ પગલું ભરવામાં આવી રહ્યું છે.સ્ટેટ બેંકના સૂત્રોના જણાવ્યા મુજબ, આશરે એક વર્ષથી 2000 રૂપિયાની નોટ એસબીઆઈના ઉન્નાવ એટીએમમાં ભરવામાં આવતી નથી. નાની નોટોને રાખી શકાય તે માટે હવે એટીએમ મશીનોમાં લાગેલી 2000 રૂપિયાની નોટના કેસેટ બોક્સ પણ હટાવવામાં આવી રહ્યા છે.

રિપોર્ટ્સમાં એમ  પણ કહેવામાં આવી રહ્યું છે કે સામાન્ય લોકોમાં અફવા ફેલાવવામાં ના આવે કે સરકાર 2000 રૂપિયાની નોટ બંધ કરી રહી છે એટલા માટે ધીરે-ધીરે એટીએમમાંથી હટાવવાની તૈયારી કરી રહી છે.

આરબીઆઇના અધિકારીઓએ આ અહેવાલને ફગાવી દીધા હતા. તેમણે આ ખબરને અફવા ગણાવતા કહ્યું કે, 2000ની નોટ પર પ્રતિબંધ લગાવવાનો રિપોર્ટ એકદમ ખોટો છે. આરબીઆઇએ કોઇ બેન્કને આ પ્રકારના કોઇ આદેશ આપ્યા નથી. આરબીઆઇના મતે જો આ પ્રકારનો કોઇ આદેશ આપવામાં આવે તો છે તો આ સંબંધિત દસ્તાવેજ આરબીઆઇની વેબસાઇટ પણ પર અપલોડ કરાય છે. એટલા માટે આ પ્રકારની અફવાઓ પર લોકો ધ્યાન ના આપે.

તમામ મીડિયા રિપોર્ટ્સને ફગાવતા આરબીઆઇના અધિકારીએ કહ્યું કે, 2000 રૂપિયાની નોટ ચલણમાં છે અને આગળ પણ રહેશે. કેટલી નોટ ચલણમાં છે જેની જાણકારી આરબીઆઇની વેબસાઇટ પર છે.